પીગી બેંકમાંથી કાઢીને બાળકોએ એમની બચતની રકમ પૂરગ્રસ્તો માટે સખાવત કરીને ઉમદા ઉદાહરણ તમામ માટે પૂરૂં પાડ્યું, માનવતાનું આ એક અસાધારણ અને અભૂતપૂર્વ દર્શનીય ઉદાહરણ છે, પરંપરાગત સ્થિતિને ભૂલીને મદ્રેસાના માસૂમ બાળકોએ કુદરતી આફત વખતે ભાઈચારો અને માનવતાનું ભાવનાત્મક ઉદાહરણ પ્રસ્થાપિત કય
(એજન્સી) લુધિયાણા, તા.૧૦
પંજાબ રાજ્ય વિનાશક પૂરને કારણે બેહાલી અને તારાજીની દશામાં છે અને સેંકડો મકાનો દુકાનો તથા ખેતરો પ્રચંડ પૂરને કારણે નાશ પામ્યા છે એવા સમયે મુસ્લિમ સમાજમાંથી માનવતાના એક નહીં અનેક દીપક પ્રજવલિત થઈ ઊઠ્યા છે અને ખાસ કરીને મદ્રેસાના નાની ઉંમરના બાળકોએ એક અભૂતપૂર્વ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. મદ્રેસાના બાળકોએ તેમની બચતના નાણાંમાંથી પંજાબના પૂરપીડિતો માટે ડોનેશન આપ્યું છે અને ભાઈચારો તથા માનવતાની ભાવનાનું ઉત્તમ પ્રેરણાદાયક ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
મુસ્લિમ સમુદાય તરફથી તો મદદ પહોંચી જ રહી છે પરંતુ મદ્રેસાના બાળકોએ પણ એમની પીગી બેંકમાંથી એમની બચતની રકમ ઉપાડીને પૂરપીડિતો માટે ડોનેશન રૂપે આપી છે. વ્યાપક રીતે વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ આવે છે કે મદ્રેસાના બાળકો તેમની બચતના ગલ્લાં તોડી રહ્યા છે અને તેમાંથી નીકળતી બચતની તમામ રકમ પૂરપીડિતો માટેના ફંડમાં આપી રહ્યા છે. બાળકોની આ હૃદયસ્પર્શી ભાવનાની ઓનલાઇન ભરપૂર પ્રશંસા થઈ રહી છે અને બાળકોની નિઃસ્વાર્થ ભાવના જોઈને લોકો અભિભૂત થઈ રહ્યા છે. સામાજિક કાર્યકર અનવર ખાન કહે છે કે બાળકોની આ લાગણીથી હૃદય પુલકિત થઈ ઊઠયું છે કેમ કે નાના બાળકોએ તેમની બચતની રકમ પૂરપીડિતોના ફંડમાં આપી દીધી છે. અહીં એ વાતનો સંદેશો મળે છે કે મદ્રેસાઓમાં હિંસા કે નફરતનું કે કોમી વિભાજનનું શિક્ષણ અપાતું નથી પરંતુ ભાઈચારો અને લાગણીશીલતાનું શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં મદ્રેસાઓ તરફ હંમેશાં નકારાત્મક દૃષ્ટિથી જોવામાં આવે છે અને એકધારી ઘરેડ બદલ એમની ટીકા પણ થતી હોય છે પરંતુ પંજાબમાં ચાલી રહેલી રાહતની કામગીરી એ આ તમામ ટીકાઓને જોરદાર જવાબ આપ્યો છે અને ઇસ્લામિક વિદ્વાનો તથા એમની સાથે મદ્રેસા અને મુસ્લિમ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ફંડ પણ આપ્યું છે અને ચીજ વસ્તુઓ મોકલવાની પણ કવાયત કરી છે જેનાથી મદ્રેસા સામેનો આ તમામ ઐતિહાસિક રીતે થઈ રહેલો પ્રચાર બિલકુલ ખોટો સાબિત થઈ રહ્યો છે. પૂરગ્રસ્ત લોકો માટે સહાય એકત્રિત કરવી એ કામગીરીમાં મુસ્લિમ વિદ્વાનોની સાથે યુવાન વિદ્યાર્થીઓ અને નાના બાળકો પણ જોડાયા છે જે દર્શાવે છે કે આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને એકતા તથા સંગઠન અને સામાજિક જવાબદારીના મૂલ્યોનું સિંચન કરવામાં આવી રહ્યું છે.
જમિયત ઉલમા-એ-હિન્દના મોલાના રિઝવાન કહે છે કે આપણા શીખ ભાઈઓ બહેનોને મદદ કરવી એ માત્ર આપણી ફરજ નથી પરંતુ તેનાથી પણ આગળ આપણી નૈતિક જવાબદારી પણ છે. કુદરતી આપદાઓ કોઈને છોડતી નથી અને કોઈ ભેદભાવ કરતી નથી એટલે આપણે જે સમર્થન આપીએ તેમાં ધર્મની કોઈ સરહદો નડવી ન જોઈએ અને ભાઈચારો અને લાગણીશીલતાને પ્રાધાન્ય મળવું જોઈએ.મુસ્લિમ સમાજના આગેવાનો અને બાળકો જ નહીં પરંતુ મહિલાઓ પણ યોગદાન આપી રહી છે અને ઘણી મુસ્લિમ મહિલાઓએ તેમના દાગીનાનું પણ ફંડ માટે દાન કરી દીધું છે અને મુસ્લિમ પુરૂષોએ ખાદ્ય પદાર્થો તથા રોકડ અને કપડાંની વસ્તુઓ દાનમાં આપી છે. ગામે ગામ અને શહેરોમાં ઊભા કરવામાં આવેલી રાહત છાવણીઓમાં આ બધી ચીજો એકત્ર કરીને અસરગ્રસ્તોને મોકલવામાં આવી રહી છે. જમિયત દ્વારા રોકડા રૂપિયા દસ લાખનું ફંડ પણ એકત્ર કરીને મોકલવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ કામગીરીની ભરપૂર પ્રશંસા કરીને લોકો કહી રહ્યા છે કે મદ્રેસાઓ અને ઈસ્લામી શિક્ષણ વિશે જે ભ્રમણાઓ અને માન્યતાઓ ફેલાવવામાં આવી રહ્યા છે એ ખોટા પુરવાર થઈ રહ્યા છે. અત્યારે લાંબા સમયથી મદ્રેસાઓ સામે ખોટો પ્રચાર થઈ રહ્યો છે અને તેઓ અલગતાનું શિક્ષણ આપતા હોવાની ખોટી માન્યતાઓનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આ તમામ કામગીરી બતાવે છે કે મદ્રેસા અને ઈસ્લામી શિક્ષણ થકી માનવતા તથા ઉદારતા તેમજ ભાઈચારાના મૂલ્યોનું વિદ્યાર્થીઓમાં સિંચન કરવામાં આવે છે તેમ સામાજિક કાર્યકર શબનમ ફાતિમાં કહે છે. પંજાબ પ્રચંડ અને ભયાનક વિનાશક પૂરની આફત સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે મુસ્લિમ સમાજના આ જોરદાર પ્રયાસો આપણા માટે આશાભરી દીવાદાંડી સમાન બન્યા છે. લાગણીઓ તથા સંવેદનાઓ અને એકતા હોય તો કોઈ પણ કટોકટીને પહોંચી શકાય છે એવું મુસ્લિમ સમુદાયના રાહત અભિયાન પરથી સ્પષ્ટ બન્યું છે અને તેમાંથી સહુને બોધપાઠ મળ્યો છે. પંજાબમાં મુસ્લિમ સમાજની રાહત કામગીરી દર્શાવે છે કે કુદરતી આપત્તિઓ આવે ત્યારે આંતરધર્મ સહયોગ અને સમર્થન અને સામૂહિક કામગીરીની શક્તિ એ એક અનોખી ચીજ છે જે આના પરથી દેખાઈ આવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં માનવતા તથા સહિષ્ણુતા અને ભાઈચારા જેવા મૂલ્યો હજુ પણ ભારતમાં જીવંત છે એ મુસ્લિમ સમાજની કામગીરી પરથી સ્પષ્ટ બન્યું છે.