(એજન્સી) તા.૯
મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં સ્કૂટરની ટક્કર બાદ થયેલો એક નાનો વિવાદ કથિત રીતે એક દલિત યુવક પર હુમલામાં પરિણમ્યો હતો; આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ ઘટના સ્લીમનાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મટવારા ગામમાં બની હતી. પીડિત યુવક, જેની ઓળખ અરવિંદ તરીકે થઈ છે, તેણે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ પહેલા સ્થાનિક બજારમાં તેની સાથે મારપીટ કરી હતી અને બાદમાં તેનો પીછો કરીને તેના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેને ખેંચીને આંગણામાં લઈ જવામાં આવ્યો અને લાતો તથા લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે હુમલા દરમિયાન અરવિંદના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા અને તેને નિર્વસ્ત્ર કરવામાં આવ્યો હતો. અરવિંદના પરિવારના જણાવ્યા અનુસાર, આ ઘટનાની શરૂઆત ૨૯ સપ્ટેમ્બરે સ્કૂટરની એક સામાન્ય ટક્કર બાદ થઈ હતી. પરિવારે આરોપ લગાવ્યો કે વિવાદ બાદ બજારમાં કેટલાક લોકોએ અરવિંદને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ કથિત રીતે તેના ઘરે ગયા અને તેને ખેંચીને આંગણામાં લઈ ગયા, જ્યાં તેમણે લાતો, મુક્કા અને લાકડીઓ વડે તેના પર હુમલો કર્યો. સોમવારે રાત્રે સામે આવેલા એક વીડિયોમાં કેટલાક લોકો એક યુવકને માર મારતા જોવા મળે છે, જ્યારે ઘરની અંદર રહેલી મહિલાઓ વચ્ચે પડીને તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. અરવિંદની માતાએ આરોપ લગાવ્યો કે જ્યારે તેણે વચ્ચે પડીને પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની સાથે પણ મારપીટ કરવામાં આવી અને ગેરવર્તણૂક કરવામાં આવી. પરિવારે જણાવ્યું કે ઘરમાં હાજર મહિલાઓએ હુમલો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના કેટલાક દ્રશ્યો કથિત રીતે વીડિયોમાં કેદ થયા છે. પોલીસ દ્વારા આ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. પીડિતના પરિવારે આરોપ લગાવ્યો કે ઘટના બાદ તેઓ સ્લીમનાબાદ પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ તેમની ફરિયાદ તરત જ FIR તરીકે નોંધવામાં આવી ન હતી. ત્યારબાદ પરિવારે ૧ ઓક્ટોબરે કટનીના પોલીસ અધિક્ષક અભિનવ વિશ્વકર્માને લેખિત ફરિયાદ આપીને હુમલામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે જણાવ્યું કે જીઁની દરમિયાનગીરી બાદ સ્લીમનાબાદ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૧(૨), ૨૯૬(b), ૧૧૫(૨), ૩૫૧(૩) અને ૩(૫) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ હુમલામાં કથિત રીતે સામેલ તમામ લોકોની ઓળખ કરવા માટે ફરિયાદ અને વીડિયોની તપાસ કરી રહી છે. પીડિતના પરિવારે આક્ષેપ કર્યો છે કે FIR નોંધાઈ હોવા છતાં નામજોગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે તાત્કાલિક ધરપકડ અને સુરક્ષાની માંગ કરી છે, કારણ કે પરિવારને હજુ પણ ધમકીઓ મળી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે. સ્લીમાનાબાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિજય વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને ફરિયાદ તથા વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે નામજોગ આરોપીઓ અને અન્ય જેઓ આમાં સામેલ હોવાનું જણાશે તેમની ધરપકડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.