નવી દિલ્હી, તા.૧૩
શું સ્ટાર શૂટર મનુ ભાકરની શાદી જેવલિન થ્રોઅર નીરજ ચોપડા સાથે થશે ? આ સવાલ છેલ્લા બે દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મનુ અને નીરજ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ ક્લોઝિંગ સેરેમની પહેલાં ઘણીવાર સુધી વાતચીત કરતા દેખાયા હતા. ત્યારબાદ બંનેના લગ્નને લઈ અટકળો લાગવાનું શરૂ થઈ ગયું. નીરજ એક વીડિયોમાં મનુની માતા સુમેધા ભાકર સાથે મુલાકાત કરતા દેખાયો હતો. નીરજ અને સુમેધાની મુલાકાત બાદ તો લગ્નને લઈ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું. જો કે, ૨૨ વર્ષીય મનુના પિતા રામકિશન ભાકરે હવે અફવાઓ પર મૌન તોડ્યું છે. રામકિશને મનુ અને નીરજના લગ્નની અટકળોને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે, મનુની ઉંમર હજુ ઓછી છે અને લગ્ન વિશે વિચાર્યું નથી. તેમણે કહ્યું કે, મનુની માતા ૨૬ વર્ષીય નીરજને પોતાના દીકરા જેવો માને છે. રામકિશને કહ્યું કે, મનુ હજી નાની છે. તેની લગ્નની ઉંમર પણ નથી. હાલ તો આ વિશે વિચાર્યું નથી. તેમણે સુમેધા અને નીરજના વીડિયો પર કહ્યું કે, મનુની માતા નીરજને પોતાના દીકરા સમાન ગણે છે. વીડિયોમાં મનુની માતા નીરજનો હાથ પોતાના માથા પર મૂકી અમુક કસમ આપતા દેખાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ ૬ મેડલ જીત્યા. મનુએ બે બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. મનુ આઝાદી બાદ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લિટ છે. તે ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર પણ છે.