ડિસેમ્બર ૨૦૨૩માં થયેલા એક હુમલામાં જૂદ દામોના પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું; આ જ હુમલામાં તેની માતાનું મૃત્યુ થયું હતું
(એજન્સી) તા.૩૧
બાળકો માટે શૈક્ષણિક સામગ્રી બનાવનારા લોકપ્રિય યુટ્યુબર ‘મિસ રશેલ’ (જેમનું અસલી નામ રશેલ છે) એ પેલેસ્ટીની બાળક જૂદ દામોની કહાની શેર કરી છે. ગાઝામાં ઈઝરાયેલી હુમલા દરમિયાન, જ્યારે તેની માતા તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તે હુમલામાં માતાનું મૃત્યુ થયું અને જૂદના પગમાં ગંભીર ઈજા થઈ. શુક્રવાર, ૩૦ ઓક્ટોબરના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં રશેલે જણાવ્યું હતું કે તેમણે જૂદ સાથે સમય વિતાવ્યો અને ૨૬ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ તેની માતાના મૃત્યુ સમયે જે સંજોગો હતા તે વિશે વાત કરી. તે સમયે જૂદની ઉંમર બે વર્ષ હતી. રશેલે જણાવ્યું કે, જ્યારે તેની માતાનું મૃત્યુ થયું, ત્યારે તેણે જૂદને પોતાની બાથમાં પકડી રાખ્યો હતો અને વિસ્ફોટથી તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ હુમલાને કારણે તેના પગમાં ગંભીર ‘ઓપન કોમિન્યુટેડ ફ્રેક્ચર’ (હાડકાના અનેક ટુકડા થઈ જાય તેવી ગંભીર ઈજા) થયું હતું. ‘પેલેસ્ટીન ચિલ્ડ્રન્સ રિલીફ ફંડ’ (PCRF)ની મદદથી તેને તબીબી સારવાર માટે બહાર લઈ જવામાં આવ્યો, જ્યાં સર્જનોએ તેના પગને બચાવી લીધો. રશેલે તારિક હૈલાત, વિવિયન ખલાફ અને PCRFટીમનો આભાર માન્યો, જેમણે જૂદને સારવાર અપાવવામાં મદદ કરી. તેમણે ગાઝામાં બાળકો પર યુદ્ધની અસર વિશે પણ વાત કરી અને આંકડા ટાંક્યા કે લગભગ ૪૪,૦૦૦ બાળકો ઘાયલ થયા છે અને ૨૧,૦૦૦થી વધુ બાળકો માર્યા ગયા છે.