(એજન્સી) તા.રર
ઉત્તરપ્રદેશના કુશીનગરથી એક વ્યક્તિની કથિત રીતે પોતાની ઓળખ છૂપાવીને એક દલિત મહિલા સાથે લગ્ન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. આરોપી તબરેઝ આલમે પોતાનું નામ બદલીને આર્યન પ્રસાદ રાખી લીધું અને મહિલાને જૂઠું કહ્યું કે તે ગોરખપુરમાં પોલીસ ઈન્સ્પેક્ટર છે.
તેના પશ્રિવારને જાણ થતા પહેલા તબરેઝ આલમ એક વર્ષથી મહિલા સાથે સંબંધમાં હતો. મહિલાના પરિવારે દંપતીના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તબરેઝ આલમ તાત્કાલિક સંમત થઈ ગયો.
તેમના લગ્ન રપ ફેબ્રુઆરીએ થવાના હતા ત્યારે તબરેઝ આલમના જૂઠનો પર્દાફાશ થઈ ગયો. જ્યારે મહિલા પક્ષ જાનની રાહ જોઈ રહ્યો હતો. તબરેઝ આલમને ફોન કર્યો અને જણાવ્યું કે તેની માતાને હાર્ટ એટેક આવ્યો છે. તેણે જણાવ્યું કે હવે જાન નહીં આવી શકે.
જો કે તબરેઝ આલમ એક શણગારેલી કારમાં એકલો જ લગ્ન સ્થળ પર પહોંચ્યો.
પછી વર અને વધૂએ કાર્યક્રમ માટે તૈયાર સ્ટેજ પર એક-બીજાને માળા પહેરાવી ત્યારબાદ વરે વધૂને કપડા અને ઘરેણા આપવાના હતા.
વધૂના પરિવારને શંકા ગઈ કે ઘરેણા નકલી છે અને તાત્કાલિક તપાસથી તેમની શંકા સાચી પડી. જોતા જોતા વિવાદ શરૂ થઈ ગયો અને વધતા વધતા તબરેઝ આલમના માથા પરથી વિગ પડી ગઈ. ત્યારબાદ લોકોએ તબરેઝની તપાસ કરી તો તેના ખિસ્સામાંથી તેનું આધારકાર્ડ મળ્યું ત્યારે તેમને જાણ થઈ કે તે પોતાની ખોટી ઓળખ બતાવી રહ્યો હતો. મહિલાના પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી અને તબરેઝ આલમની ધરપકડ કરવામાં આવી.
એડિશનલ પોલીસ સુપ્રિટેન્ડન્ટ દક્ષિણ અભિનવ ત્યાગીએ જણાવ્યું કે તબરેઝ આલમની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.