રાંચીની દીકરીએ મેળવ્યા ૫૦૦માંથી ૫૦૦ ગુણ, ઝ્રમ્જીઈ ધોરણ ૧૨માં દેશમાં પ્રથમ ક્રમે આવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી

શિક્ષકોના મતે અવનીની આ અદભુત સફળતા પાછળ તેનું શિસ્તબદ્ધ આયોજન, સખત પરિશ્રમ અને મજબૂત વૈચારિક સમજ જવાબદાર છે

(એજન્સી) રાંચી, તા.૨૩
અપેક્ષા કરતાં ઓછા ગુણ મળવાની શરૂઆતી નિરાશા આખરે રાંચીની એક દીકરી માટે રાષ્ટ્રીય ગૌરવમાં બદલાઈ ગઈ છે. ડીપીએસ ધુર્વા ((DPS Dhurva), રાંચીની વિદ્યાર્થીની અવની કેજરીવાલે પુનઃમૂલ્યાંકન (Re-evaluation) બાદ ૫૦૦માંથી ૫૦૦ પૂરા ગુણ મેળવીને CBSE ધોરણ ૧૨માં દેશમાં ટોપ કરી એક નવો ઈતિહાસ રચ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સુધારેલા પરિણામો જાહેર થતાં જ અવનીની આ અસાધારણ અને ઐતિહાસિક સિદ્ધિ પર સત્તાવાર મહોર વાગી ગઈ છે. આ સફળતા પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે. જ્યારે ઝ્રમ્જીઈનું પરિણામ પ્રથમ વખત જાહેર થયું ત્યારે અવનીને ૯૫.૨% (આશરે ૪૭૬ ગુણ) મળ્યા હતા, જે કોઈપણ વિદ્યાર્થી માટે ગર્વની વાત હોય. પરંતુ, અવનીને ખાતરી હતી કે તેના અંગ્રેજી કોર (English Core) અને બિઝનેસ સ્ટડીઝ (Business Studies) જેવા વિષયોમાં ગુણની ગણતરીમાં ક્યાંક ભૂલ થઈ છે. પોતાની મહેનત અને ઉત્તરવહીઓ પર પૂરો ભરોસો હોવાથી તેણે આત્મવિશ્વાસ સાથે પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી. પુનઃમૂલ્યાંકનના પરિણામે અવનીનો વિશ્વાસ સાચો સાબિત કર્યો. બોર્ડ દ્વારા ફરીથી તપાસ કરવામાં આવતા તેના કપાયેલા ૨૪ ગુણ પાછા મળ્યા, જેમાં અંગ્રેજીમાં ૧૯ ગુણ અને બિઝનેસ સ્ટડીઝમાં ૫ ગુણનો વધારો થયો. આ સુધારા સાથે તેનો સ્કોર પર્ફેક્ટ ૫૦૦/૫૦૦ થઈ ગયો. અવનીએ અંગ્રેજી કોર, એકાઉન્ટન્સી, બિઝનેસ સ્ટડીઝ, ઇકોનોમિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સ જેવા તમામ મુખ્ય વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે, જ્યારે તેના વધારાના વિષય ‘ગ્રાફિક્સ’માં પણ તેણે ૯૯ ગુણ મેળવ્યા છે. આ ઐતિહાસિક સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા અવનીએ જણાવ્યું કે, “આ અમારા સમગ્ર પરિવાર અને શિક્ષકો માટે અત્યંત આનંદની ક્ષણ છે. સાચું કહું તો મને પર્ફેક્ટ સ્કોરની અપેક્ષા નહોતી, કારણ કે અંગ્રેજી એક સબ્જેક્ટિવ (વર્ણનાત્મક) વિષય છે. પરંતુ મને મારી તૈયારી પર પૂરો ભરોસો હતો એટલે મેં રી-ઈવેલ્યુએશન માટે એપ્લાય કર્યું અને આજે પરિણામ મારી સામે છે.” અવનીના પરિવાર પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તે રાંચીના એક વેપારી પરિવારમાંથી આવે છે. તેના પિતા મિતેશ કેજરીવાલ ખાદ્ય તેલનો વ્યવસાય ચલાવે છે અને માતા પૂનમ કેજરીવાલ ગૃહિણી છે. અવની માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ ભવિષ્ય માટે પણ સ્પષ્ટ વિઝન ધરાવે છે. તેણે CUET-UG ની પરીક્ષા આપી દીધી છે અને તે દેશની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા ઈચ્છે છે, જેથી તે આધુનિક મેનેજમેન્ટ પદ્ધતિઓ અને ઇનોવેટિવ આઈડિયાઝ દ્વારા તેના પિતાના વ્યવસાયને વધુ મોટો બનાવી શકે. અવનીની આ અભૂતપૂર્વ સિદ્ધિથી ડીપીએસ રાંચી અને સમગ્ર ઝારખંડ રાજ્યમાં ઉજવણીનો માહોલ છે. શાળાના પ્રિન્સિપાલ જયા ચૌહાણે એક વિશેષ સન્માન સમારોહમાં અવનીની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ સફળતા તેની મહેનત, આત્મવિશ્વાસ અને શાળાના શૈક્ષણિક વાતાવરણનું ઉત્કૃષ્ટ પરિણામ છે. શિક્ષણશાસ્ત્રીઓ પણ અવનીની આ સફરને દેશભરના વિદ્યાર્થીઓ માટે એક મોટી પ્રેરણા ગણાવી રહ્યા છે, જે દર્શાવે છે કે જો તમને તમારી મહેનત પર ભરોસો હોય તો ક્યારેય હાર ન માનવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks