રર વર્ષે ફરીથી કોઈએ ‘રાજધર્મ’ નિભાવવા જણાવ્યું !
સિદ્દીકુલ્લાહ ચૌધરીએ દરેક સ્થળે મંદિરો શોધવાની કડાકૂટથી દૂર રહેવા ભાજપને અનુરોધ કર્યો
(એજન્સી) કોલકાતા, તા.૫
ઉત્તર પ્રદેશના સંભલ શહેરની શાહિદામાં મસ્જિદ તથા અજમેર શરીફ દરગાહ અંગે થયેલી અરજીઓ અને આ જગ્યા ઉપર જમણેરી સંગઠનોએ કરેલા દાવાના સંદર્ભમાં પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારના મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરીએ દરેક સ્થળે મંદિરો શોધવાથી દૂર રહેવા ભાજપને સલાહ આપી હતી. સરકારમાં માસ એજ્યુકેશન એક્સટેન્શન અને લાઇબ્રેરી સેવાના મંત્રી તરીકે સેવા બજાવતા ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહાન સુફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી ગરીબ નવાઝ સરકારની દરગાહ શરીફ કોઈની જમીન દબાવીને બાંધવામાં આવી નથી. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અજમેર શરીફ દરગાહના વહીવટ માટે ભારત સરકારે ૧૯૫૫માં જ દરગાહ ખ્વાજા સાહેબ કાયદો ઘડાયો હતો. ખ્વાજા સાહેબે કોઈ જગ્યા પર દબાણ કર્યું નહોતું. આ મહાન સુફી સંતે તો ભારતમાં આવીને સમગ્ર ઉપખંડમાં પ્રેમનો સંદેશો આપીને અને સહ અસ્તિત્વનો સંદેશો આપીને એક મહાન ક્રાંતિનું સર્જન કર્યું હતું. કેન્દ્ર સરકાર દરેક ચીજોના નામોનિશાન મિટાવી શકે નહીં અને કેન્દ્ર સરકારે તેની જવાબદારી પરિપૂર્ણ કરવી જોઈએ અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ અગાઉ કહ્યું હતું તેમ કેન્દ્ર સરકારે તેનો રાજધર્મ નિભાવવો જોઈએ. ચૌધરીએ સંબલની હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ ઘટનામાં જ્યાં ચાર યુવાન મુસ્લિમોના પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયા હતા એ ઘટનાને સખત રીતે વખોડી કાઢી હતી અને તેને નીંદનીય ગણાવી હતી. તેમણે યોગી સરકારને કોમવાદી ગણાવી હતી અને સવાલ કર્યો હતો કે પોલીસે સીધો જ ગોળીબાર શરૂ કઈ રીતે કરી દીધો? તો પોલીસ કાયદાથી ઉપર છે? તમામ જવાબદાર પોલીસ અધિકારીઓની ધરપકડ થવી જોઈએ. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી પરના હુમલાની પણ તેમણે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે બાંગ્લાદેશની ઘટનાઓથી ભારતમાં કોમવાદી તણાવ ઉભો કરવાથી દૂર રહેવું જોઈએ. આપણે આપણા ઘર આંગણે ધ્રુવીકરણથી બચવું જોઈએ.