(એજન્સી) તા.૨૮
જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ અને સંભલમાં જામા મસ્જિદને લઈને હિંસા વચ્ચે અજમેરની વિશ્વ પ્રસિદ્ધ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવતી અરજીનો નીચલી કોર્ટે સ્વીકાર કરી લીધો છે. કોર્ટ હિન્દુ સેનાની અરજી સ્વીકારી છે. મામલાની સુનાવણી ૨૦ ડિસેમ્બરે થશે. આ મામલો અજમેર ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવા સાથે જોડાયેલો છે.
અજમેરના ખ્વાજા ગરીબ નવાજ હસન ચિશ્તીની દરગાહમાં શિવ મંદિર હોવાના દાવા સાથે જોડાયેલી અરજી પર બુધવારે અજમેર પશ્ચિમ સિવિલ જજ સિનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટમાં સુનાવણી કરતાં વિષ્ણુ ગુપ્તાની અરજી પર આ ફેંસલો સંભળાવ્યો હતો. ન્યાયાધીશ મનમોહન ચંદેલે દરગાહ કમિટી, લઘુમતિ બાબતોના મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-નવી દિલ્હીને સમન્સ પાઠવ્યું છે.
અજમેરની સિવિલ કોર્ટમાં આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દાખલ કરી હતી. અરજીમાં ભગવાન મહાદેવનું મંદિર હોવાનો દાવો કર્યો હતો. વિષ્ણુ ગુપ્તાના વકીલે કોર્ટમાં કરેલી તેમની અરજીના સંદર્ભમાં હરવિલાસ શારદાના પુસ્તક અજમેર હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ એન્ડ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા સૂફીઝમ જેવા પુસ્તકોનો ઉલ્લેખ કર્યો હતો. હરવિલાસ શારદા ન્યાયાધીશ હતા અને તેમણે ૧૯૧૧માં અજમેરઃ હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને ટાંકીને વિષ્ણુ ગુપ્તાના વકીલે કોર્ટને જણાવ્યું કે દરગાહના નિર્માણમાં મંદિરના કાટમાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગર્ભગૃહ અને પરિસરમાં જૈન મંદિર હોવાની હકીકત પણ કોર્ટમાં મૂકવામાં આવી હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ન્યાયાધીશ ચંદેલે આ અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી અને આગામી તારીખ ૨૦ ડિસેમ્બર નક્કી કરી હતી. આ સિવાય ભારત સરકારના લઘુમતી મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને દરગાહ સમિતિને પણ આ મામલે કોર્ટમાં નોટિસ જારી કરવા માટે કહેવામાં આવ્યું છે. અરજીમાં એએસઆઈ દ્વારા દરગાહ સંકુલનો સર્વે કરાવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર વિસ્તારની ભોજશાળા, બનારસ અને મધ્યપ્રદેશના અન્ય સ્થળોના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે.