શું આ નફરત ફેલાવનારૂં ભાષણ નથી ? ફરિયાદની જોગવાઇ છે પરંતુ કાયદા અને કોર્ટનો સદુપયોગ કોણ કરશે ?
મુખ્યમંત્રીએ રામના આદર્શ જીવનમાંથી પ્રેરણા લેવા લોકોને અનુરોધ કર્યો અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પાછળ જે પ્રયાસો થયા અને જે મહેનત થઈ તેને યાદ કર્યા
(એજન્સી) અયોધ્યા, તા.૫
અયોધ્યાના રામકથા પાર્કમાં ગુરૂવારે રામાયણ મેળાના ઉદ્ઘાટન સમારંભને સંબોધન કરતાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવું જણાવ્યું હતું કે સંભલ અને બાંગ્લાદેશમાં તોફાનો કરનારા તોફાનીઓના એક સરખા જ ડીએનએ છે.
યોગીએ જણાવ્યું હતું કે અયોધ્યા કુંભમાં ૫૦૦ વર્ષ પહેલા બાબરના લોકોએ શું કર્યું એ યાદ રાખો. એ જ હકીકતનું પુનરાવર્તન સંભલમાં થયું અને એવું જ બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. આ ત્રણેય પ્રકારની કૃતિઓમાં જે સામેલ છે એ બધાના ડીએનએ એક સરખા છે. બાંગ્લાદેશમાં જે બની રહ્યું છે એવું જ અહીં પણ કરવા માટે કેટલાક તત્ત્વો તૈયાર છે એ માટેની એટલે કે સમાજની એકતા તોડવાની પૂરી તૈયારીઓ એ લોકોએ કરી લીધી છે. જે લોકોની વિદેશોમાં સંપત્તિ છે એવા કેટલાક લોકો આ વિશે વાત કરી રહ્યા છે. જો અહીં કટોકટી ઉભી થાય તો તે લોકો અહીંથી નાસી જશે અને બીજાને મરવા માટે છોડી દેશે. એટલે કોઈ ભ્રમમાં ન રહો. રામના જીવનમાંથી પ્રેરણા લેવા લોકોને અનુરોધ કરતા મુખ્યમંત્રીએ અયોધ્યામાં રામ મંદિર બાંધવા પાછળ થયેલા પ્રયાસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અયોધ્યા નવી ઓળખ સાથે વિશ્વ શહેર બનીને આધુનિક અને સાંસ્કૃતિક રીતે નવું શહેર બનીને આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે ભગવાન રામ અહીં ૫૦૦ વર્ષ પછી એમના પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે. જે લોકોને રામ અને માતા જાનકી પ્રત્યે સન્માન નથી એ તમને ગમે તેટલા વ્હાલા હોય તો એ તમારા દુશ્મન છે અને તેમને છોડી દો એટલે જ રામ ભક્તોએ ૧૯૯૦માં સૂત્ર આપ્યું હતું કે જો રામ કા નહીં હમારે કિસી કામકા નહીં.
તેમણે સમાજવાદી પાર્ટી પર રામ મનોહર લોહિયાના નામે રાજનીતિ ખેલવાનો આક્ષેપ કર્યો હતો.