સોશિયલ મીડિયાથી દૂરી, સ્થિર દિનચર્યા : આરોહી દેશપાંડેકેવી રીતે બની JEE Advancedની ફીમેલ ટોપર

કોટામાં રહીને તૈયારી કરનારી પુણેની આરોહીએ ઓલ ઈન્ડિયા ૭૭મો રેન્ક મેળવ્યો; સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનથી સંપૂર્ણ અંતર રાખવું તેની સફળતાની ચાવી બની

(એજન્સી) તા.૧
IITરૂરકી દ્વારા તાજેતરમાં જ JEE Advanced ૨૦૨૬ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મૂળ મહારાષ્ટ્રના પુણેની આરોહી દેશપાંડે દેશભરમાં ફીમેલ ટોપર (મહિલા કેટેગરીમાં પ્રથમ) તરીકે ઉભરી આવી છે. આરોહીએ કોમન રેન્ક લિસ્ટમાં અખિલ ભારતીય ક્રમાંક ૭૭ મેળવ્યો છે, જ્યારે IIT દિલ્હી ઝોનમાંથી તે ફીમેલ કેટેગરીમાં પ્રથમ ક્રમે રહી છે. બંને પેપરમાં કુલ ૩૬૦ ગુણમાંથી ૨૮૦ ગુણ મેળવીને તેણે દેશની સૌથી કપરી ગણાતી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થિનીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે. આરોહી દેશપાંડેની આ ભવ્ય સફળતા પાછળ તેની અદભુત સાતત્યતા (Consistency) રહેલી છે. પોતાની તૈયારી દરમિયાન તેણે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળ્યો હતો. આરોહીનું માનવું છે કે રીલ્સ જોવામાં અને સોશિયલ મીડિયા પર ચેટિંગ કરવામાં સમય બગાડવાથી એકાગ્રતા ભંગ થાય છે. તેણે દરરોજ ૮થી ૯ કલાકનો નિયમિત અને ગુણવત્તાસભર અભ્યાસ જાળવી રાખ્યો હતો. પોતાની તૈયારી દરમિયાન મોક ટેસ્ટનું વિશ્લેષણ કરવું તેની દિનચર્યાનો મુખ્ય ભાગ હતો. તે પોતાની ભૂલોને એક ડાયરીમાં નોંધી રાખતી અને કોચિંગના શિક્ષકોના માર્ગદર્શનથી તેને તરત જ સુધારી લેતી હતી. આરોહીની આ સફર દેશના સૌથી મોટા એજ્યુકેશન હબ ગણાતા રાજસ્થાનના કોટા શહેર સાથે ગાઢ રીતે જોડાયેલી છે. શાળાના દિવસોમાં જ તેણે IITમાં જવાનું નક્કી કરી લીધું હતું અને આ સપનાને પૂરું કરવા તે કોટા આવી ગઈ હતી. આરોહીના જણાવ્યા અનુસાર, કોટાના સ્પર્ધાત્મક વાતાવરણે તેને દરરોજ વધુ સારી બનવા માટે પ્રેરિત કરી હતી. ત્યાં લેવાતી સાપ્તાહિક પરીક્ષાઓ અને દેશભરના ટોપર્સ સાથેની સ્પર્ધાએ તેની તૈયારીને વધુ ધારદાર બનાવી, જેના કારણે તે આખરી પરીક્ષાનો આત્મવિશ્વાસ સાથે સામનો કરી શકી. JEE Advanced જેવી અઘરી પરીક્ષા પાસ કરવા માટે આરોહીએ દરેક વિષય માટે ચોક્કસ વ્યૂહરચના અપનાવી હતી. કેમિસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન) માટે તેણે NCERTના પાયાના સિદ્ધાંતોને બરાબર યાદ કરી લીધા હતા, જ્યારે ફિઝિક્સ (ભૌતિક વિજ્ઞાન) અને મેથેમેટિક્સ (ગણિત) માટે તેણે કન્સેપ્ટ સમજવા પર ભાર મૂક્યો હતો અને ત્યારબાદ એડવાન્સ લેવલના પ્રશ્નોની સઘન પ્રેક્ટિસ કરી હતી. પરીક્ષાના તણાવભર્યા સમયમાં મનને ફ્રેશ રાખવા માટે તે ટૂંકા બ્રેક લેતી અને હળવું સંગીત સાંભળતી હતી. આ વર્ષે ક્વોલિફાય થયેલા કુલ ૫૬,૮૮૦ ઉમેદવારોમાંથી આરોહી દેશપાંડે દેશની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી વિદ્યાર્થિની બની છે. હવે તે આગામી JoSAA ૨૦૨૬ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે. આરોહી દેશની ટોચની IIT સંસ્થામાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરવા ઈચ્છે છે અને ભવિષ્યમાં રિસર્ચ તથા ટેક્‌નોલોજીના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરવા માટે યોગદાન આપવા માંગે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks