રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ દિગ્વિજય સિંહ સમક્ષ રજૂ થતાં ૭૭ વર્ષીય કુમારે જણાવ્યું હતું કે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને તેમની સામેના કેસ ખોટા અને રાજકીય રીતે પ્રેરિત છે
(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમારે સોમવારે દિલ્હીના જનકપુરીમાં બે શીખ, સોહન સિંહ અને તેમના જમાઈ અવતાર સિંહની કથિત હત્યા અને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો દરમિયાન વિકાસપુરીમાં એક ગુરચરણ સિંહને કથિત રીતે સળગાવી દેવાની ઘટનામાં પોતાને નિર્દોષ કહ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ દિગ્વિજય સિંહ સમક્ષ રજૂ થતાં ૭૭ વર્ષીય કુમારે જણાવ્યું હતું કે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને તેમની સામેના કેસ ખોટા અને રાજકીય રીતે પ્રેરિત છે. સજ્જનકુમારે કહ્યું કે, હું નિર્દોષ છું. હું ક્યારેય આ ગુનામાં સામેલ ન હતો, મારા સપનામાં પણ નહીં. મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. શરૂઆતમાં કોઈપણ સાક્ષીએ મારૂં નામ લીધું ન હતું. દાયકાઓ પછી મારૂં નામ લેવામાં આવ્યું. મારી સામેનો કેસ ખોટો અને રાજકીય રીતે પ્રેરિત છે. ૩૧ ઓકટોબર, ૧૯૮૪ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ ૧૯૮૪ના કુખ્યાત રમખાણો ફાટી નીકળ્યા હતા. તેના દશકો પછી ન્યાયાધીશ જી.પી. માથુર સમિતિની ભલામણ પર ૧૧૪ કેસ ફરીથી ખોલવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૨૩માં ટ્રાયલ કોર્ટે સજ્જનકુમાર સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ ઔપચારિક રીતે આરોપો ઘડ્યા હતા, પરંતુ કલમ ૩૦૨ હેઠળ હત્યાનો આરોપ પડતો મૂકવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રાયલ કોર્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદને ૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ સરસ્વતી વિહાર વિસ્તારમાં રમખાણો દરમિયાન જસવંત સિંહ અને તેમના પુત્ર તરૂણદીપ સિંહની હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. SIT ને જાણવા મળ્યું કે આ આરોપી ટોળાનું નેતૃત્વ કરી રહ્યો હતો અને તેની ઉશ્કેરણી પર, ટોળાએ ઉપરોક્ત બે વ્યક્તિઓને જીવતા સળગાવી દીધા હતા અને તેમના ઘરના સામાન અને અન્ય સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું, નાશ કર્યો હતો અને લૂંટ ચલાવી હતી, તેમના ઘરને બાળી નાંખ્યું હતું અને તેમના ઘરમાં રહેતા તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ૧૯૮૪ના રમખાણોને ભારતના ઇતિહાસના ‘સૌથી કાળા અને શરમજનક’ પ્રકરણો પૈકી એક ગણાવતા શીખ સમુદાયના સભ્યોએ ન્યાયની માંગ કરી હતી અને સજ્જનકુમારને મૃત્યુદંડની સજા ફટકારવા માટે ટ્રાયલ કોર્ટને વિનંતી કરી હતી.