૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોમાં અમિતાભ બચ્ચનની ભૂમિકાહજુ પણ ‘નિર્દોષ’ નથી : અકાલ તખ્તના કાર્યકારી જથેદારનું નિવેદન

પંજાબી ગાયક દિલજીત દોસાંઝ દ્વારા બચ્ચનના પગ સ્પર્શ કરવાના તાજેતરના વિવાદનો ઉલ્લેખ કરતા, જથેદાર ગર્ગજે કહ્યું કે, આવી ઘટનાઓ શીખ લાગણીઓને ઠેસ પહોંચાડે છે, કારણ કે, શીખ વિરોધી હિંસામાં બચ્ચનની કથિત ભૂમિકા હજુ સુધી સ્પષ્ટ થઈ નથી

(એજન્સી) તા.૧
અકાલ તખ્તના કાર્યકારી જથેદાર, જ્ઞાની કુલદીપ સિંહ ગર્ગજે શનિવારે જણાવ્યું હતું કે, ૧૯૮૪ના શીખ નરસંહાર અંગે શીખ સમુદાયની નજરમાં બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ‘નિર્દોષ’ નથી, કારણ કે, તેમના પર લગાવવામાં આવેલા આરોપોની ક્યારેય યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નથી. એક ટીવી શો દરમિયાન પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝ દ્વારા બચ્ચનના પગ સ્પર્શ કરવાના તાજેતરના વિવાદનો ઉલ્લેખ કરતા, જથેદાર ગર્ગજે ટિપ્પણી કરી હતી કે આવી હરકતો શીખ ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. જો કે, અમિતાભ બચ્ચને એક વખત અકાલ તખ્તને પત્ર લખીને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા, પરંતુ એકમાત્ર પ્રત્યક્ષદર્શી મનજીત સિંહ સૈની-(જેમણે અભિનેતા પર ગંભીર આરોપો લગાવ્યા હતા) -ના નિવેદનની ક્યારેય કોઈ સરકારી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી નથી. તેથી શીખ અંતરાત્માની નજરમાં, અમિતાભ બચ્ચન હજુ પણ નિર્દોષ નથી. જથેદારે શીખ સમુદાય ખાસ કરીને જાહેર વ્યક્તિઓને, રાજકીય નેતાઓ સહિત તમામ વ્યક્તિઓનો સામાજિક અને નૈતિક રીતે બહિષ્કાર કરવા વિનંતી કરી, જેમના નામ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા છે અને કહ્યું કે, તેમની સાથે જોડાવું એ શીખ સમુદાયના ઘા પર મીઠું લગાવવા જેવું છે. નવેમ્બર ૧૯૮૪ના હત્યાકાંડના પીડિતોને શ્રદ્ધાંજલિ આપતા, જથેદાર ગર્ગજે દુઃખ વ્યક્ત કર્યું કે, ચાર દાયકા પછી પણ પીડિતોને ન્યાય મળ્યો નથી. તેમણે કહ્યું કે, હત્યાઓ માટે જવાબદાર મોટાભાગના લોકોની ક્યારેય ધરપકડ કરવામાં આવી ન હતી અને કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ મુક્ત છે. શીખો ૧૯૮૪ની દુર્ઘટનાને ભૂલી શકતા નથી કે માફ કરી શકતા નથી. જથેદારે કહ્યું કે, શીખ સમુદાય વારંવાર ઘલ્લુઘરા (હોલોકાસ્ટ) સહન કરવા છતાં વિશ્વભરમાં ગુરૂ નાનકના શાંતિ, સેવાના સંદેશને ફેલાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts