૨૫ વર્ષ પછી ઇજિપ્તે મોહમ્મદ અલ-દુર્રાને શાળાના ઇતિહાસના અભ્યાસક્રમમાં ફરી સામેલ કર્યો

 

બીજી પેલેસ્ટીની ઇંતિફાદાનું પ્રતીક બનેલા બાળકની તસવીર હવે નવી પેઢીના પાઠ્યપુસ્તકોમાં : રાજકીય ઘટનાઓ પાછળ માનવીય સંવેદનાઓને સમજાવવાનો પ્રયાસ

 

(એજન્સી) તા.૨૫
૨૫ વર્ષ પહેલાં વિશ્વભરના લોકોને આંચકો આપનાર ઘટનાના દૃશ્યો હવે ટેલિવિઝન સ્ક્રીન પરથી નીકળીને ઈજિપ્તના બેકલેક્યુરેટ (ઉચ્ચતર માધ્યમિક) પાઠ્યપુસ્તકના પાના સુધી પહોંચી ગયા છે. ઈજિપ્તના નવા અભ્યાસક્રમમાં વર્ષ ૨૦૦૦ની ‘બીજી પેલેસ્ટીની ઇંતિફાદા’ પરના પાઠમાં પેલેસ્ટીની બાળક મોહમ્મદ અલ-દુર્રાની ઐતિહાસિક તસવીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાઠનું શીર્ષક ‘ધ સેકન્ડ પેલેસ્ટીની ઇંતિફાદા ૨૦૦૦’ રાખવામાં આવ્યું છે, જેમાં તસવીરની સાથે સ્પષ્ટ કેપ્શન આપવામાં આવ્યું છે : ‘તે ક્ષણ જ્યારે મોહમ્મદ અલ-દુરાને ગોળી મારવામાં આવી હતી’. આ સાથે જ એક આખી પેઢીના સ્મરણોમાં વણાયેલી આ તસવીર હવે ઈજિપ્તના વર્ગખંડોમાં નવી પેઢી માટે ઇતિહાસના પાઠનો એક ભાગ બની ગઈ છે. પાઠ્યપુસ્તકમાં આ ચિત્રને પેલેસ્ટીન મુદ્દાથી અલગ પાડીને દર્શાવવાને બદલે સંઘર્ષના વિકાસ અને શાંતિ પ્રયાસોને આવરી લેતી એક ઐતિહાસિક શ્રૃંખલાના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યું છે. આ પાઠ્યક્રમ બીજી ઇંતિફાદા અને ત્યારબાદ ગાઝા પટ્ટીમાં થયેલા ઘટોનાક્રમો તરફ દોરી જાય છે. અભ્યાસક્રમ અંગેના અહેવાલો જણાવે છે કે, અલ-દુર્રાની તસવીરનો સમાવેશ બીજી ઇંતિફાદાના માનવીય પાસાના પ્રતીક તરીકે કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને સંઘર્ષની વાસ્તવિકતા સમજવામાં મદદ કરશે. મોહમ્મદ અલ-દુર્રાના પિતા જમાલ અલ-દુર્રાએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, અભ્યાસક્રમમાં તેમના પુત્રની તસવીર સામેલ કરવાનું મહત્ત્વ માત્ર વિદ્યાર્થીઓ મોહમ્મદનું નામ જાણે કે તેનો ફોટો ઓળખે ત્યાં સુધી સીમિત નથી. તેનાથી નવી પેઢી એ સમજી શકશે કે ઇતિહાસના પુસ્તકોમાં તેઓ જે ઘટનાઓ અને તારીખો વિશે વાંચે છે, તેની પાછળ એવા બાળકો અને નાગરિકો હતા જેઓ ભયમાં જીવ્યા હતા અને જેમણે આ સંઘર્ષની ભારે કિંમત ચૂકવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તેમના પુત્રની વાર્તા પેલેસ્ટીન મુદ્દાના માનવીય પાસાને સમજવા માટેનું એક માધ્યમ બનશે, જેથી બળવો, યુદ્ધો અને વાટાઘાટો વિદ્યાર્થીઓને માત્ર રાજકીય ઘટનાઓ કે તારીખો તરીકે ન લાગે પરંતુ સામાન્ય લોકો અને બાળકોએ ભોગવેલી યાતનાઓના જીવંત ઉદાહરણ તરીકે સમજાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks