Sports

એક હજાર ટેસ્ટ રમનાર ઈંગ્લેન્ડ વિશ્વનો પ્રથમ દેશ બનશે

દુબઈ, તા.૩૦
આઈસીસીએ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ને અભિનંદન આપ્યા છે. જેની પુરૂષ ટીમ બુધવારથી એજબેલ્ટનમાં ભારત વિરૂદ્ધ ૧૦૦૦મી ટેસ્ટ રમવાની તૈયારી કરી રહી છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી ૯૯૯ પુરૂષ ટેસ્ટ રમી છે. તેમાંથી ૩પ૭ મેચોમાં વિજય મેળવ્યો છે જ્યારે ર૯૭માં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ દરમ્યાન ૩૪પ મેચ ડ્રો થઈ હતી. ટીમે પોતાની પ્રથમ ટેસ્ટ માર્ચ ૧૮૭૭માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી. ઈંગ્લેન્ડે એજબેસ્ટનમાં પોતાની પ્રથમ ટેસ્ટ મે-૧૯૦રમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી અને ત્યારથી ટીમ અહીયા પ૦ ટેસ્ટ મેચ રમી ચૂકી છે. જેમાંથી ર૭માં તેનો વિજય અને આઠમાં પરાજય થયો છે. જ્યારે ૧પ મેચ ડ્રો થઈ. આઈસીસી ચેરમેન શશાંક મનોહરે કહ્યું કે ક્રિકેટ પરિવાર તરફથી ઈંગ્લેન્ડને ૧૦૦૦મી ટેસ્ટ માટે અભિનંદન આપવા માંગું છું જે આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ટીમ છે. જૂન-૧૯૩રમાં પ્રથમ ટેસ્ટથી જ ઈંગ્લેન્ડે ભારત ઉપર વર્ચસ્વ જાળવી રાખ્યું છે. બંને ટીમો વચ્ચે૧૧૭ ટેસ્ટમાંથી ઈંગ્લેન્ડે ૪૩ અને ભારતે રપમાં વિજય મેળવ્યો છે.