International

૯૩ વર્ષીય પૂર્વ યુએસ પ્રમુખ જિમ્મી કાર્ટરે તણાવ દૂર કરવા ઉત્તર કોરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી

(એજન્સી) ન્યૂયોર્ક, તા.ર૩
ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા તણાવને દૂર કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટરે (૯૩) બંને દેશોના તણાવને દૂર કરવા માટે ટ્રમ્પ પ્રશાસન તરફથી ઉત્તર કોરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કાર્ટરે કહ્યું કે, તેઓ ઉત્તર કોરિયા જઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે તેઓ આ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ સપ્ટેમ્બરના રોજ ઉ.કોરિયાના છઠ્ઠા પરમાણુ પરીક્ષણ બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ થવાની શક્યતા છે.
ડેમોક્રેટિક પાર્ટીના કાર્ટર ૧૯૭૭થી ૧૯૮૧ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. કાર્ટરે પોતાના મિત્ર અને ટ્રમ્પના સુરક્ષા સલાહકાર લેફ્ટનન્ટ જનરલ એચ.આર.મૈક માસ્ટર સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે, પરંતુ હજી સુધી તેમને કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી. કાર્ટરે કહ્યું મેં તેમને જણાવી દીધું છે કે, હું સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવા માટે ઉપલબ્ધ છું. તેમને જ્યારે પણ મારી જરૂરિયાત હોય, ત્યારે જણાવી દે. વોશિંગ્ટનમાં સત્તા સાથે જોડાયેલા લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉ.કોરિયાના નેતા કિમ જોંગની વચ્ચે ચાલી રહેલા વાક્‌ યુદ્ધથી ડરેલા છે. મને પણ આ પરિસ્થિતિને લઈને આશંકા છે. કાર્ટરે કહ્યું, બંને નેતા પોતાની સત્તા ટકાવી રાખવા ઈચ્છે છે. ઉ.કોરિયા પર ચીનના પ્રભાવને વધારે કરીને આંકવામાં આવી રહ્યો છેે, પરંતુ જ્યાં સુધી મને જાણકારી છે, કિમ જોંગનો ચીન સાથે કોઈ ખાસ સંબંધ નથી. હા, તેમના પિતા કિમ-જોંગ-ઈલ જરૂરથી ચીન જતા હતા અને તેમના તેની સાથે ખાસ સંબંધો પણ હતા. કાર્ટર અનુસાર કિમ જોંગ વિશે કોઈપણ અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો કિમ જોંગને લાગશે કે ટ્રમ્પ ઉ.કોરિયાની વિરૂદ્ધ કોઈ પગલું ભરવા જઈ રહ્યા છે તો તેઓ તેના પહેલા જ મોટું પગલું ભરી શકે છે. આવી સ્થિતિમાં ઉ.કોરિયા પરમાણુ હુમલો પણ કરી શકે છે, જેનાથી દ.કોરિયા, જાપાન અને અમારી મુખ્ય ભૂમિમાં આવેલા અમેરિકી મથકોનો નાશ થઈ શકે છે.