(એજન્સી) તા.ર૩
એક લેબેનીઝ ટીવી પ્રસ્તુતકર્તાને તેની સોશિયલ મીડિયા ચેનલો પર અનૈતિક સામગ્રી પોસ્ટ કરવા બદલ કુવૈતથી દેશનિકાલ કરવામાં આવી છે. એમિરેટસ વૂમને અહેવાલ આપ્યો. કુવૈતના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર નૈતિકતાનું ઉલ્લંઘન કરવા બદલ ૪ર વર્ષીય સાઝડેલ અલ-કાકને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે તેણીનો દેશનિકાલ લોકહિતમાં છે. તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે કઈ સામગ્રીના કારણે અપરાધ થયો હતો. પણ આ ૪ર વર્ષીય મહિલા નિયમીતપણે ઈન્સ્ટાગ્રામ પર સુંદરતા અને ફેશન સામગ્રી પોસ્ટ કરતી રહે છે. જેમાં તેના ૩,પ૦,૦૦૦ અનુયાયીઓ છે. અલ-કાકે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ૧પમી ઓકટોબરે તેણીને મંત્રાલયમાંથી ફોન આવ્યો હતો, જેમાં તેણીને તેના સોશિયલ મીડિયા પોસ્ટસ અંગે ચર્ચા કરવા ઈન્ટરવ્યુમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે અગાઉ સ્નેપચેટ પર ચુસ્ત કપડા ન પહેરવા અને ફોટા ન લેવાના વચન પર હસ્તાક્ષર કર્યા હતા, તેમ છતાં આ સિવાય તે નથી જાણતી કે તેની ઓનલાઈન પ્રવૃત્તિથી કયા કાયદાનું ઉલ્લંઘન થયું હતું. મંત્રાલયની બિલ્ડીંગ પર પહોંચ્યા ત્યારે અલ-કાકને અટકાયતમાં રખાયા હતા. જ્યાં સુધી કે લેબેનોન માટેની ફ્લાઈટમાં તેમના માટે સીટ અનામત ન રખાઈ જાય. તેમને લેબેનીઝ દૂતાવાસના પ્રતિનિધિને મળતા અટકાવ્યા હતા. આ કેસમાં ટિ્વટર પર ચર્ચાએ જોર પકડ્યું છે અને આ ઓનલાઈન હસ્તીના બચાવમાં કેટલાક યુઝર્સ ઉતરી આવ્યા છે. જો કે, કેટલાક અન્ય લોકો અલ-કાકને દેશનિકાલ કરવાની કાર્યવાહી બદલ અધિકારીઓની પ્રશંસા કરે છે. પ્રસ્તુતકર્તાએ કહ્યું, જો હું કોઈ દેશમાં રહું છું તો હું ત્યાંના કાયદાઓને માન આપીશ. જાહેર શિષ્ટાચારના કાયદા વિશે મારું અર્થઘટન બીજી સંસ્કૃતિથી સંપૂર્ણપણે અલગ હશે. કાયદાઓને સ્પષ્ટ બનાવવાની અને જણાવવાની જરૂર છે કે જાહેર શિષ્ટાચારના આ ઉલ્લંઘનો શું છે ? જો કે, તેણે અલ-રાય અખબારને જણાવ્યું હતું કે તેનો દેશનિકાલ સંભવિત રીતે પલટાઈ જશે કારણ કે તેના લગ્ન કુવૈતી નાગરિક સાથે થયા છે અને તે દેશમાં દસ વર્ષથી કામ કરે છે. તેમના પતિ હાલમાં વિદેશમાં છે, પરંતુ કુવૈત પાછા ફરતાની સાથે જ તેઓ તેમના લગ્ન કરાર રજૂ કરશે. સાઝડેલે કહ્યું કે, મારા પતિ કુવૈતી છે અને તેમને કોઈ અધિકાર નથી મને દેશનિકાલ કરવાનો. તેમ છતાં તેણે ઉમેર્યું કે દેશનિકાલ થયા પછી તે હવે કુવૈતમાં વધુ રહેવાની ઈચ્છા રાખતી નથી.