(એજન્સી) તા.૨૩
કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા ભારતના બીજા ભાગોમાં લોકડાઉન લાગુ કરાયું તેના એક મહિના પહેલા રોતીશ દાસ અને તેના ઘણા પડોશીઓને દુકાન બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. રોતીશ દાસ મેઘાલયની ઇસ્ટ ખાસી હીલ્સમાં આવેલ ગામ ઇચામતીમાં રહે છે જ્યાં ચૂનાના વિશાળ ભંડારો આવેલા છે. આ ગામ બાંગ્લાદેશ સાથેની સરહદે આવેલું છે. હવે જ્યારે દેશના બાકીના ભાગમાં બધુ ધીમે ધીમે અનલોક થઇ રહ્યું હોવા છતાં ૪૬ વર્ષના રોતીશ દાસ અને તેમના પાડોશીઓને તેમજ આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓ હજુ પણ તેમનો બિઝનેસ શરૂ કરી શક્યાં નથી. બિઝનેસ આટલો બધો સમય બંધ રાખવા પાછળનું કારણ કોરોના વાયરસ નથી. રોતીશ દાસ અને આ વિસ્તારના અન્ય લોકોએ જણાવ્યું હતું કે તેમની વંશીયતા એટલે કે તેઓ બિનઆદિવાસી હોવાથી તેમને બિઝનેસ બંધ રાખવાની ફરજ પાડવામાં આવી છે. આદિવાાસી જૂથો બંગાળી હિંદુઓ વચ્ચે ૨૧, ઓક્ટો.ના રોજ તંગદિલી ભડકી હતી. શિલોંગમાં ખાસી વિદ્યાર્થી સંઘ કે જે મેઘાલયમાં શક્તિશાળી આદિવાસી સંસ્થા છે. તેમણે એવા બેનર્સ સાથે દેખાવો કર્યા હતાં કે બાંગ્લાદેશીઓ મેઘાલય, ત્રિપુરા અને આસામમાં તમારા અત્યાચારો બંધ કરો. બીજા બેનરમાં એવું લખ્યું હતું કે મેઘાલયના તમામ બંગાળીઓ બાંગ્લાદેશી છે. શિલોંગમાં એક બેનરમાં જૂની ફરિયાદને ફરી ઉછાળવામાં આવી હતી. આ બેનરમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે લુરશાઇ હાઇની એવાટની હત્યા કોણે કરી ? તે બાંગ્લાદેશ મૂળનો બંગાળી હતો. લૂરશાઇ ખાસી સમુદાયનો હતો કે જેની ૨૮, ફેબ્રુ.ના રોજ ઇચામતી ગામમાં હત્યા થઇ હતી. જે ટોળાએ તેની હત્યા કરી હતી તે ઇચામતીના બિન આદિવાસી રહેવાસીઓનું બનેલું હતું. આમ ખાસી શખ્સની હત્યાના હજુ પણ મેઘાલયની સરહદી ગામોમાં ઓછાયા જોવા મળે છે. બાંગ્લાદેશ સરહદ નજીક રહેતાં બંગાળીઓ એવો આક્ષેપ કરી રહ્યાં છે કે આદિવાસી જૂથોએ તેમનો આર્થિક બહિષ્કાર કર્યો છે અને તેમના ધંધા રોજગાર શરુ કરવા દેવામાં આવતાં નથી.