(એજન્સી) તા.૨૩
૩૦, જાન્યુ.ના રોજ ભારતમાં સાર્સ-સીઓવી-૨નો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ સરકારે ૨૪, માર્ચની મધરાતથી અણધાર્યુ લોકડાઉન લાગુ કર્યુ હતું. લોકડાઉનના પગલે પગાર નહીં મળવાથી અને આહારના અભાવે લાખો કામદારો તેમના વતન પરત જવા લાગ્યાં હતા. પરંતુ વતન પહોંચ્યાં બાદ પણ પ્રવાસી શ્રમિકો અને તેમના પરિવારોને બેરોજગારી, ભૂખમરો અને કોવિડ-૧૯ના ડરનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકો પોતાની માંદગી પર સારવાર મેળવી શક્યાં ન હતાં કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય સેવાઓ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રમાં બંધ કરવામાં આવી હતી. આજે અનલોક બાદ પણ દ.રાજસ્થાનના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં લોકોને આજીવિકાનો અભાવ, ખોરાકની ઓછી ઉપલબ્ધી, અનિયમિત પરિવહન વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓછી જમીન, અનિયમિત વરસાદ અને સ્થાનિક રોજગાર માટેની ઓછી તકોને કારણે દ. રાજસ્થાનના ગામડાઓમાંથી લોકો કામ માટે અમદાવાદ, સુરત અને મુંબઇ જેવા શહેરોમાં સ્થળાંતર કરી જાય છે. દરમિયાન દ.રાજસ્થાનમાં પ્રવાસીઓ અને તેમના પરિવારોમાં ટીબીના મોટી સંખ્યામાં કેસો સામે આવ્યાં છે. તેનું કારણ એ છે કે આ લોકો કાર્યસ્થળે ધૂળ અને રેતીના સંપર્કમાં આવે છે. આ ઉપરાંત તેમને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી. લોકડાઉનના પગલે દ.રાજસ્થાનના તમામ આદિવાસી જિલ્લાઓમાં ટીબીના નવા કેસોમાં ઘટાડો થયો હતો પરંતુ અમારી ક્લિનીકમાં લોકડાઉનના પૂર્વ સમયની તુલનાએ ટીબીના દર્દીઓની સંખ્યામાં જંગી વધારો જોવા મળ્યો છે. ઘણા દર્દીઓમાં લાંબા સમયથી ટીબીના લક્ષણો દેખાવા છતાં તેઓ સારવાર મેળવી શકયાં નથી. અન્ય ઘણા દર્દીઓ શહેરોમાં સારવાર પર હતા પરંતુ પરિવહનના અભાવે તેમજ કોવિડ-૧૯ના ડરે તેમની સારવાર અવરોધાઇ હતી. આ ઉપરાંત આ પરિવારોના બાળકોમાં કુપોષણ જોવા મળ્યું છે. મે મહિનામાં હાથ ધરાયેલ સર્વેમાં ઘણા પ્રવાસી શ્રમિકોએ જણાવ્યું હતું કે તેમને અવારનવાર ભોજન વગર ચલાવી લેવું પડે છે. આ પરિવારોમાં પાંચ વર્ષથી નીચેની વયના ૧૦૦૦ બાળકોના વિકાસનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું અને ૧૨ વર્ષ કરતાં વધુ બાળકોમાં ઓછું વજન હોવાનું બહાર આવ્યું હતું. જૂનમાં કુપોષણ વધીને ૭૬ ટકા પહોંચ્યું હતું.