(એજન્સી) લખનૌ,તા.૨૦
સી.બી.આઈ.એ ઉત્તર પ્રદેશ સરકારના સિંચાઈ વિભાગના જુનિયર એન્જીનીયરની ધરપકડ કરી છે. એમની ઉપર બાળકોના જાતીય શોષણના આક્ષેપો છે. ઉપરાંત એ બાળકોના અશ્લીલ ફોટાઓ અને વિડીઓ પણ વિશ્વભરમાં આવેલ ડાર્ક વેબસાઈટોને છેલ્લા ૧૦ વર્ષથી વેચાણ કરતો હતો. એમની ઉપર આક્ષેપ છે કે તેમણે ૫-૧૬ વર્ષની વયના અંદાજે ૫૦ બાળકોનું આ રીતે શોષણ કર્યું હતું. આ ગુનાઓ એમણે યુપીના વિવિધ જિલ્લાઓ જેમ કે ચિત્રકૂટ, બાંદા અને હમીરપુરમાં આચર્યા હતા. જુનિયર એન્જીનીયરે સી.બી.આઈ.ને પ્રાથમિક પૂછપરછમાં આ માહિતી આપી હતી. આરોપીએ જણાવ્યું કે એ ચુપકીદીથી પોતાના કાળા કૃત્યો કરતો હતો. બાળકોને ફોસલાવી, મોબાઈલ ફોન જેવી ભેટો આપી એમની ચુપકીદી ખરીદી લેતો હતો. બાળકોની ચુપકીદીથી આ ઘટના બહાર આવી ન હતી. હાલમાં જ અસ્તિત્વમાં આવેલ સી.બી.આઈ.નું એક યુનિટ ઓનલાઈન ચાલી રહેલ સેક્સ કૌભાંડોની, ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને અશ્લીલ સામગ્રી પીરસતા ઓનલાઈન પ્લેટફોર્મોની તપાસો કરે છે. જેમની તપાસમાં બાળકોની અશ્લીલ સીડીઓ સેક્સ સામગ્રી મળી આવી હતી. સી.બી.આઈ.ની ટીમે આ સાઈટોને ટ્રેક કરી અને ટ્રેકિંગ કર્યા પછી તેઓ આરોપી સુધી પહોંચી ગયા હતા. આરોપી પોતે બાળકો સાથે દુષ્કર્મ કર્યા પછી એના વિડીઓ ઉતારી લેતો હતો અને એ સામગ્રી એવા પોર્ટલોને વેચતો હતો જેઓ પોતે આ સામગ્રી સર્કુલેટ કરે છે. સી.બી.આઈ.એ માહિતીના આધારે આરોપીના ચિત્રકૂટના ઘરે દરોડા પાડ્યા હતા જ્યાંથી ૮ લાખ રૂપિયા રોકડા અને મોબાઈલ ફોનો, લેપટોપ, વેબકેમેરા અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મળી આવ્યા હતા.