આરોપીઓ બજરંગદળના સભ્યો હોવાની આશંકા
(એજન્સી) શિમલા, તા.૧૬
દાદરીકાંડ મુદ્દો હજી શાંત થાય તે પહેલા દાદરી જેવી ઘટના શિમલામાં સામે આવી છે. ભીડ દ્વારા કાયદાને હાથમાં લઈ એક મુસ્લિમ યુવકની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે. હિમાચલપ્રદેશમાં સિરમૌર જિલ્લાના સરાહન ગામમાં આ ઘટના બની હતી. પોલીસના સૂત્રો મુજબ મૃતક અને તેના સાથેના લોકો ગાયની ચોરીમાં સામેલ હતા. ત્યારબાદ ગામના લોકોએ તેમને ઢોર માર માર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મૃતકનું નામ નૌમાન હોવાનું જાણવા મળ્યું છે અને તે ઉત્તરપ્રદેશમાં સહારનપુર જિલ્લાનો રહેવાસી છે. પોલીસે દાવો કર્યો કે, નૌમાન અને તેના સાથીઓ પર પહેલાં પણ કેસ દાખલ હતો. તેમના વિરૂધ્ધ સહારનપુર જિલ્લામાં મામલો દાખલ છે. જ્યારે સિરમૌર એસપી સૌમ્યા સંભાશિવને જણાવ્યું કે, આ મામલે ગ્રામજનો વિરૂધ્ધ હત્યાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ઘાયલોની મદદ કરવામાં આવી રહી છે. જે પણ દોષી છે તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સૌમ્યાએ કહ્યું હતું કે, કેટલાક લોકોએ નૌમાન અને તેના સાથીઓને ગાય ચોરીમાં પકડીને તેના પર હુમલો કર્યો હતો. પછીથી જાણ થઈ કે, નૌમાન આ હુમલામાં ગંભીરરીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો.