BJP કેરળના ઉપાધ્યક્ષે કહ્યું કે, સૌપ્રથમ ગૌમાંસ અને ગાય વચ્ચેનો તફાવત સમજવો જોઈએ, તેમણે કહ્યું કે, ‘સૌથી પહેલાં તમારે એ સમજવાની જરૂર છે કે, બીફ શું છે અને ગાય શું છે, જો તમે અચાનક બીફ પર પ્રતિબંધ લગાવશો તો આનાથી ઘણા લોકોને ખોટો સંદેશ જશે… બીફ એ ગાય નથી’
(એજન્સી) કોચી, તા.૫
બીજેપી કેરળના ઉપાધ્યક્ષ મેજર રવિએ આજે આસામમાં બીફ પ્રતિબંધને લઈને આસામના મુખ્યમંત્રીની ઝાટકણી કાઢી હતી. બીજેપી નેતાએ કહ્યું કે, આપણે ખોટો સંદેશો આપીને સાંપ્રદાયિક તણાવ ન સર્જવો જોઈએ. બીજેપી કેરળના ઉપાધ્યક્ષે કહ્યું કે, સૌપ્રથમ ગૌમાંસ અને ગાય વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. તેમણે કહ્યું કે, સૌથી પહેલાં તમારે એ સમજવાની જરૂર છે કે, બીફ શું છે અને ગાય શું છે, જો તમે અચાનક બીફ પર પ્રતિબંધ લગાવશો તો આનાથી ઘણા લોકોને ખોટો સંદેશ જશે, બીફ એ ગાય નથી.’ તેમણે એમ પણ કહ્યું હતું કે, આસામના મુખ્યપ્રધાને આવું ન કરવું જોઈએ કારણ કે, દરેકને પોતાનો ખોરાક ખાવાની સ્વતંત્રતા છે. તમને જે જોઈએ તે ખાવાની સ્વતંત્રતા હોવી જોઈએ. અમે ગાયની પૂજા કરીએ છીએ. મેં કોઈ જગ્યા જોઈ નથી. જ્યાં ગાયોની કતલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દરેકને કંઈપણ ખાવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને સરકારોએ સાંપ્રદાયિક મુદ્દાઓ ઊભા ન કરવા જોઈએ. માંસ એ ભેંસ અને બળદનું છે. સૌથી પહેલાં તફાવત સમજો અને પછી પ્રતિબંધ લાદવો જોઈએ. આપણે લોકોને ખોટો સંદેશો ન આપવો જોઈએ અને સાંપ્રદાયિક મુદ્દાઓ ઊભા કરવા જોઈએ નહીં. દરમિયાન કેરળ વિધાનસભામાં એલઓપી અને કોંગ્રેસના નેતા વી.ડી. સથેસને આ પગલાને સંઘ પરિવારનો લોકોને વિભાજિત કરવાનો એજન્ડા ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, દેશભરમાં ‘સંઘ પરિવાર’ની સરકારો લોકોમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે. આસામમાં ચૂંટણી આવી રહી છે તેથી આ ‘સંઘ પરિવાર’નો એજન્ડા છે અને તેઓ લોકોમાં ભાગલા પાડવા માંગે છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બુધવારે રાજ્યભરમાં કોઈપણ રેસ્ટોરન્ટ, હોટલ અને જાહેર સ્થળોએ બીફ પીરસવા અને ખાવા પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમણે આ જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, ૨૦૨૧માં પસાર થયેલ આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ, પશુઓની કતલને રોકવામાં ખૂબ સફળ રહ્યો છે અને હવે અમે જાહેર સ્થળોએ બીફનું સેવન બંધ કરવાનો નિર્ણય લીધો છે.