(એજન્સી) નવી દિલ્હી, તા.પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પૂર્વગામી મનમોહનસિંહે રાજ્યસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે શુક્રવારે શુભેચ્છા પાઠવી અને હસ્તધૂનન કર્યું. બંને વચ્ચે આવી ઉષ્માસભર મુલાકાત ઘણા અઠવાડિયા પછી જોવા મળી, આ પહેલાં ગુજરાત ચૂંટણી પ્રચાર દમિયાન કટુ પ્રચાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહ પર આક્ષેપ કર્યો હતો કે તેમણે પાકિસ્તાન સાથે મળીને ભાજપને ગુજરાતમાં હરાવવા માટે ષડયંત્ર રચ્યું છે.
નરેન્દ્ર મોદીના આ ગંભીર આક્ષેપો માટે કોંગ્રેસે બીજા વિપક્ષી દળો સાથે મળીને સંસદને બે દિવસ માટે સ્થગિત કરી દીધી હતી અને માગણી કરી હતી કે વડાપ્રધાને આવા ગંભીર આક્ષેપો માટે ભૂતપૂર્વ વડાપ્રધાનની માફી માગવી જોઈએ. આ સમગ્ર વિવાદ ઉપર મનમોહનસિંહે કહ્યું હતું, જે અસત્ય મારા વિશે ફેલાવવામાં આવ્યું છે તેના લીધે મને ખૂબ જ આઘાત લાગ્યો છે, બધા મારી કારકિર્દી વિશે સારી રીતે જાણે છે. જો કે નરેન્દ્ર મોદીએ આ સમગ્ર બાબત વિશે માફી માગી ન હતી પરંતુ નાણામંત્રી અરૂણ જેટલીએ વિપક્ષને શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે મનમોહનસિંહની દેશ પ્રત્યેની નિષ્ઠા ઉપર કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે. જેવી શુક્રવારે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ રાજ્યસભાને અચોક્કસ સમય માટે સ્થગિત કરી કે તરત જ વડાપ્રધાન મોદી વિપક્ષોની બેઠકો તરફ પહોંચી ગયા અને ડો.મનમોહનસિંહ સાથે ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું અને સહજ વાત કરી, તેઓએ શું વાત કરી એ વિશે માહિતી મળી નથી.
આ ઘટના પછી સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે કહ્યું કે સંસદનું શિયાળું સત્ર લોકોએ ધાર્યું હતું તેના કરતા ઘણુ સારું ગયું. ખરડા પાસ કરવાના કાર્યમાં લોકસભાએ રાજ્યસભા કરતા લગભગ બે ગણુ વધારે કાર્ય કર્યું. રાજ્યસભા કે જ્યાં સત્તા પક્ષ ભાજપ લઘુમતીમાં છે ત્યાં ૯ ખરડા પસાર થયા જ્યારે લોકસભામાં ૧૩ ખરડા પસાર થયા. કુમારે કહ્યું કે આવું પ્રથમ વખત થયું છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બીજા કેટલાક અગ્રણી નેતાઓ જોડે હસ્તધૂનન કર્યું જેમાં ઉપાધ્યક્ષ પી.જે. કુરિયન અને કોંગ્રેસ નેતા કરણસિંઘનો સમાવેશ થાય છે. તેમનો કાર્યકાળ સંસદના બજેટ સત્ર પહેલા પૂરો થાય છે.