(સંવાદદાતા દ્વારા) અમરેલી તા.૫
રિલાયન્સ નેવેલ એન્જિનિયરિંગ પીપાવાવ લિમિટેડ કંપની પાસેથી નેવીનું સાવિત્રી આઈએનએસ શિપનો રિફિટીંગનો કોન્ટ્રાક લેનાર કંપનીએ શિપનો રીફિટ સામાન રૂા.પાંચ કરોડનો પરત ન કરતા કંપની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો અનુસાર રાજુલા પીપાવાવ પોર્ટ પર સ્થિત રિલાયન્સ નેવેલ એન્જિનિયરિંગ પીપાવાવ લિમિટેડ કંપનીએ સાવિત્રી આઈએનએસ શિપનું રિફીટીંગ માટેનું કામ ઓગસ્ટ ૨૦૧૭ માં મુંબઈની યુનાઇટેડ શિપ રિપેર્સ એન્ડ મરીન વર્કર્સ પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાકટ આપેલ હતો અને તે માટે રિલાયન્સ ડિફેન્સ પોર્ટ કંપનીએ રિફીટીંગ માટેનો તમામ સમાન અને શિપ સહિત સોંપેલ હતી. દરમિયાન બંને કંપની વચ્ચે થયેલ કરાર સમજૂતી મુજબ શિપ રીફીટ કરવાનો સમય મર્યાદા પૂરી થઇ જતા તેમ છતાં મુંબઈની કંપનીએ સાવિત્રી આઈએનએસ શિપ રિફીટીંગ કરી રિલાયન્સ ડિફેન્સ કંપનીને ના સોંપતા રિલાયન્સ ડિફેન્સ કંપનીએ મુંબઈની કંપનીનો કોન્ટ્રાકટ રદ કરી નાખતા અને રિલાયન્સ ડિફેન્સ કંપનીએ શિપનો રિફીટીંગનો સામાન પરત માંગતા યુનાઇટેડ શિપ રીપેર્સ એન્ડ મરીન વર્કર્સ કંપનીએ રીફીટ સામાન કિંમત રૂપિયા ૫ કરોડનો પરત ના કરી છેતરપિંડી કરતા રિલાયન્સ ડિફેન્સ પીપાવાવ પોર્ટ કંપનીના જનરલ મેનેજર મનોજકુમાર રામચંદ્ર ઉપધ્યાયે મુંબઈ સ્થિત કંપનીના રાજુ મનોહર નાઈક (રહે.મુંબઈ) વાળા સામે રાજુલા મરીન પીપાવાવ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. આ બનાવથી સમગ્ર દેશની ડિફેન્સ ક્ષેત્રે કામ કરતી કંપનીઓમાં ભારે ખળભળાટ મચેલ છે.