(એજન્સી) લંડન,તા.૨૭
બ્રિટનમાં ભારતીય મૂળના બ્રિટિશ ૩૧ વર્ષીય રોડેન્નેચંદને ગતા વર્ષે માન્ચેસ્ટરમાં એરિયાના ગ્રાન્ડે કોન્સર્ટ ખાતે થયેલા ત્રાસવાદી હુમલાને પગલે સોશિયલ મીડિયા પર ઇસ્લામોફોબિક ટિપ્પણી મુકવા બદલ ૨૦ મહિનાની જેલની સજા કરવામાં આવી છે. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ઓનલાઇન વંશીય નફરત ફેલાવવા બદલ રોડેન્નેચંદને દોેષિત ઠરાવ્યો હતો. વેસ્ટમિડલેન્ડ પોલીસે જણાવ્યું કે રોડેન્નેચંદને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા સોશિયલ મીડિયા પર ભડકાઉ સંદેશ પોસ્ટ કરનાર માટે એક ચેતવણી છે. અને હેટ ક્રાઇમ આચરનારાઓની ધરપકડ થઇ શકે છે. ટવીટર પર ઇસ્લામ વિરોધી ટિપ્પણીઓ બદલ રોડેન્નેને સજા થઇ છે. વેસ્ટ મિડલેન્ડ્સના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસ હેટ ક્રાઇમને અત્યંત ગંભીર રીતે લે છે અને વંશ, જાતિ,લૈંગિકતા અથવા અક્ષમતાને આધારે નફરત ફેલાવનાર પોતાની જાતને કોર્ટમાં જોઇ શકે છે અને તે ગુનાહિત સજાનો સામનો કરશે. રોડેન્નેએ સોશિયલ મીડિયા સાઇટ ટિ્વટર પર વંશીય નફરત ફેલાવતા ૩૨ સંદેશ મુક્યા હતા. એક સંદેશમાં તેણે એવો દાવો કર્યો હતો કે તે મુસ્લિમનું ગળું કાપવા માગતો હતો. ૧૭મી જૂને તેની ધરપકડ કરવામાં આવી હતી અને મુસ્લિમ વિરોધી સંદેશા જારી કર્યા હોવાની તેની કબૂલાત કરી હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે કેટલાક સંદેશાએ મુસ્લિમો સામે હિંસા અને મસ્જિદો પર હુમલા કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.