એડિલેડ,તા.૮
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ લોકેશ રાહુલ (૪૪), વિરાટ કોહલી (૩૪) અને ચેતેશ્વર પૂજારા (૪૦*)ની ઉપયોગી બેટિંગની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ત્રીજા દિવસના અંતે ભારતે ૩ વિકેટ ગુમાવી ૧૫૧ રન બનાવી લીધા છે. આમ લીડ સાથે ભારતના ૧૬૬ રન થયા છે અને તેની ૭ વિકેટો બાકી છે. દિવસના અંતે ચેતેશ્વર પૂજારા ૪૦ અને અજિંક્ય રહાણે ૧ રને રમતમાં છે.
વિરાટ કોહલી ૩૪ રન બનાવી લાયનનો શિકાર બન્યો હતો. વિરાટ અને પૂજારાએ ૭૧ રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ૧૦૦૦ રન પુરા કરવાની સિદ્ધિ મેળવી છે. તે આવી સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય બન્યો છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં ૨૩૫ રનમાં ઓલઆઉટ થતા ભારતને ૧૫ રનની લીડ મળી છે. ભારતે પ્રથમ દાવમાં ૨૫૦ રન બનાવ્યા હતા. સતત બે બોલ પર શમીએ હેડ અને હેઝલવુડને આઉટ કરતાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થઈ ગયું હતું. હવે શમી ઓસ્ટ્રેલિયા સામે બીજી ઇનિંગ્સમાં બોલિંગ કરવા આવશે તો તેની પાસે હેટ્રીક લેવાની તક હશે.
પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાને ૨૩૫ રનમાં ઓલઆઉટ કરી દીધું છે. જેમાં ૧૦માંથી ૭ વિકેટો ભારતના ફાસ્ટ બોલરોએ ઝડપી હતી. આ સાથે ભારતીય ફાસ્ટ બોલરોએ ૨૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતીય ફાસ્ટ બોલરોએ એક કેલેન્ડર યરમાં સૌથી શાનદાર એવરેજ સાથે બોલિંગ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ૨૦૧૮માં ભારતીય ફાસ્ટ બોલરો નવમી ટેસ્ટ રમી રહ્યા છે, જેમાં ૨૫.૯૦ની એવરેજ અને ૫૦.૨૦ની સ્ટ્રાઇક રેટ સાથે ૧૧૮ વિકેટો ઝડપી છે. ભારતના ફાસ્ટ બોલરોનો કોઈપણ કેલેન્ડર યરમાં સૌથી વધારે વિકેટો ઝડપવાનો રેકોર્ડ છે. ૨૦૧૮માં ટીમ ઇન્ડિયાએ ૧૩.૧૧ વિકેટ પ્રતિ મેચ ઝડપી છે.
આ પહેલા ૧૯૯૬માં ભારત ૪ ટેસ્ટ રમ્યું હતું. જેમાં ૨૮.૦૯ની એવરેજ અને ૫૭.૪૦ના સ્ટ્રાઇક રેટ સાથે ૫૨ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરોએ ૧૩ વિકેટ પ્રતિ મેચના હિસાબથી ઝડપી હતી. વર્તમાનમાં ભારતના ફાસ્ટ બોલરો ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલિંગ આક્રમણ છે.