(એજન્સી) તા.ર૮
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના અયોધ્યામાં એક ભવ્ય રામમંદિરના નિર્માણ પર સમર્થન આપવાના નિવેદન પછી મુસ્લિમ મૌલાનાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. ઈદગાહના ઈમામ અને સુન્ની ધર્મગુરૂ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહેલીએ જણાવ્યું કે આવું નિવેદન યોગ્ય નથી, જયારે કેસ સુપ્રીમકોર્ટમાં છે.
મધ્યસ્થતાની પ્રક્રિયા પણ અદાલતની દેખરેખમાં ચાલી રહી છે, તેમણે જણાવ્યું કે, મુસ્લિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે અને હિન્દુઓએ પણ ધેર્ય રાખવુ જોઈએ. આ પ્રકારના નિવેદનથી માત્ર વિવાદ થાય છે. બાબરી મસ્જિદ એકશન કમિટીના સંયોજક અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય જફરયાબ જીલાનીએ જણાવ્યું કે, આરએસએસ પ્રમુખનું નિવેદન આ સમયે યોગ્ય નથી ત્યારે મધ્યસ્થતાની પ્રક્રિયા ચાલી રહી છે. મુસ્લિમોએ હંમેશા જણાવ્યું છે કે, તેઓ સુપ્રીમકોર્ટના નિર્ણયનો સ્વીકાર કરશે. માટે આ પ્રકારના નિવેદનની કયાં જરૂરત છે ?
શિયા ધર્મગુરૂ મૌલાના અબ્બાસે જણાવ્યું કે જયારે કેસ અદાલતમાં છે. બંને સમુદાયના નેતાઓએ આવા નિવેદનોથી દુર રહેવું જોઈએ. રવિવારે આરએસએસ પ્રમુખે રાજસ્થાનના ઉદયપુરમાં જણાવ્યું હતું કે, રામનું કામ કરવાનું છે, રામનું કામ થઈને રહેશે. તેમણે જણાવ્યું હતું કે રામ અમારા હૃદયમાં વસે છે અને અમે સક્રિય થવા તેમજ પોતાના લક્ષ્યને વાસ્તવિકતામાં બદલવા માટે આગળ વધવાની જરૂરત છે.