(એજન્સી) હેરાત, તા. ૮
અફઘાનિસ્તાનની પશ્ચિમ દિશામાં આવેલા હેરાત શહેરની એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં ૨૯થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે ૬૪ કરતા વધુ ઘવાયા હતા. સ્થાનિક પોલીસ પ્રવક્તા અબ્દુલ્લાહી વલીઝાદાએ જણાવ્યું હતું કે, હુમલાખોરો એકથી વધુ હોવાની આશંકા છે અને નજરે જોનારાઓ અનુસાર એક આત્મઘાતી બોમ્બર હતો જ્યારે અન્ય એક બંદૂકધારી નમાઝીઓ તરફ ગ્રેનેડ ઝીંકી રહ્યો હતો.
મસ્જિદમાં નમાઝ માટે આવેલા એક નમાઝી મોહંમદ અદીએ જણાવ્યું હતું કે, બે બંદૂકધારીઓએ મસ્જિદમાં ઘૂસ્યા બાદ ગોળીબાર કર્યો હતો અને ગ્રેનેડ ઝીંક્યા હતા. આ હુમિલામાં મોહંમદ અદી પણ ગંભીર રીતે ઘવાયો હતો અને તે હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. હેરાતના ગવર્નર મોહંમદ આસિફ રહીમીએ જણાવ્યંુ હતું કે, હેરાતમાં આવેલી ૧૨ સદીની જામા મસ્જિદ પર આ પ્રકારનો હુમલો ઘણા વર્ષો પછી થયો છે જેમાં ૨૯થી વધુ લોકો મોતને ભેટ્યા છે જ્યારે ૬૪ લોકો ઘવાયા છે. વર્ષો પહેલા મસ્જિદ પર થયેલા હુમલામાં સાત લોકોના મોત થયા હતા. અત્યારસુધી આ હુમલા માટે કોઇ પણ આતંકવાદી જૂથે જવાબદારી લીધી નથી પરંતુ તાલિબાન પર આશંકા સેવાઇ રહી હતી જોકે, તાલિબાને જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો હતો. આ વર્ષે આ પ્રકારના આતંકવાદી હુમલાઓમાં ૧૭૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે.