અમદાવાદ, તા.૨૩
અમદાવાદ શહેરમાં હાલ દિવસે ગરમી અને સવારે ફુલગુલાબી ઠંડીના વાતાવરણની વચ્ચે મચ્છરજન્ય રોગના કેસોમા સતત વધારો થતો જોવા મળ્યો છે જેમાં આ માસમા ૨૧ દિવસમા જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા મચ્છરજન્ય એવા મેલેરીયા અને ઝેરી મેલેરીયાના કુલ મળીને ૭૦૦ ઉપરાંત કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ અમદાવાદ શહેરમા આ માસમાં ડેન્ગ્યુના પણ ૧૦૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ અંગે મળતી વિગતો અનુસાર,અમદાવાદ શહેરમાં હાલ દિવસના સમયમા ઉનાળાની મોસમમા પડતી હોય એવી ગરમી અને રાત્રીના કે વહેલી સવારના સુમારે ફુલગુલાબી ઠંડીનુ વાતાવરણ શહેરીજનો અનુભવી રહ્યા છે.આ પરિસ્થિતિમા અમદાવાદ શહેરમા મચ્છરજન્ય એવા મેલેરીયા,ઝેરી મેલેરીયા,ચીકનગુનીયા અને ડેન્ગ્યુના કેસો ચિંતાજનક રીતે વધતા જોવા મળી રહ્યા છે.આ માસની શરૂઆતથી ૨૧ ઓકટોબર સુધીમા અમદાવાદ શહેરના વિવિધ ભાગોમા મેલેરીયાના કુલ મળીને ૫૩૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે જ્યારે ઝેરી મેલેરીયાના ૨૧ દિવસમાં ૧૬૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત ચીકનગુનીયાના આ સમયગાળામા કુલ ૧૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદ શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમા રહેતા લોકોની હાલત હાલ કફોડી જોવા મળી રહી છે આ વિસ્તારોમા ડેન્ગ્યુ માટે જવાબદાર મનાતા એવા એડીસ ઈજીપ્તી નામના મચ્છરોનો વિશેષ ફેલાવો જોવા મળી રહ્યો છે જેને લઈને આ વિસ્તારોમાં ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસ જોવા મળી રહ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા જોવામા આવે તો છેલ્લા ૨૧ દિવસમાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કુલ ૧૦૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આમ છતાં સૂત્રોનુ કહેવુ છે કે,શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમા આવેલા ખાનગી પ્રેકટિશનરો કે તેમની હોસ્પિટલમાં ડેન્ગ્યુના અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.આ ઉપરાંત અમદાવાદ શહેરમા પાણીજન્ય એવા રોગના પણ સંખ્યાબંધ કેસ નોંધાવા પામ્યા છે જેમાં ૨૧ ઓકટોબર સુધીમાં ઝાડા-ઉલ્ટીના ૨૬૭ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.જયારે કમળાના ૧૫૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ટાઈફોઈડના ૧૪૨ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.સ્વાઈનફલુનો એક કેસ નોંધાવા પામ્યો છે.