(એજન્સી) વોશિંગ્ટન,તા.૨૫
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાને ચેતવણી આપતા જણાવ્યું છે કે તેના વિદેશ પ્રધાન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પોતાના ધમકીભર્યા ભાષણમાં પોતાના નેતા કિંમ જોંગ ઉનના વિચારોને વાચા આપી રહ્યા હોય તો હવે એ બધાના દિવસો ભરાઇ ગયા છે. હવે તેમની પાસે વધુ દિવસો બચ્યા નથી.
ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન વી યોંગે ગઇકાલે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં પોતાના ભાષણમાં ટ્રમ્પ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ટ્રમ્પ માનસિક રીતે અસ્થિર નેતા છે અને જણાવ્યું હતું કે તેમની ધમકીઓથી લશ્કરી સંઘર્ષની આશંકા વધી ગઇ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન વી યોંગના આ નિવેદન બાદ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધી ગયો છે.
આ દરમિયાન અમેરિકન સેનાએ તાકાતનું પ્રદર્શન કરવા માટે કોરિયાઇ દેશના પૂર્વ કિનારા પર એક વાર વધુ બોંબર વિમાનો ઉડાવ્યા હતા. આ વિમાનો ત્યારે ઉડાવવામાં આવ્યા હતા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને કીમ જોંગ વચ્ચે વાક્યુદ્ધ છેડાયું છે. યોંગના નિવેદનનો જવાબ આપતા અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે જો લિટલ રોકેટ મેનના સપના તેમના પ્રતિનિધિઓ દોહરાવતા રહેશે તો તેઓ સમજી લે કે ઉત્તર કોરિયા હવે વધુ દિવસ સુધી નહીં રહે. અમે તેને બરબાદ કરી નાખીશું.
બીજી બાજુ બોંબર વિમાનને લઇને અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનની મુખ્ય પ્રવક્તા ડાના ડબલ્યુ વ્હાઇટે જણાવ્યું હતું કે આ અભિયાન અમેરિકાના સંકલ્પને પ્રદર્શિત કરવા માટે છે અને એક સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઇપણ ખતરા સામે કામ લેવા અનેક લશ્કરી વિકલ્પો છે. તેમણે જણાવ્યું હતું કે ગુવામથી યુએસ એરફોર્સ બી-૧બી લાંસર બોંબર વિમાનાએે જાપાનના ઓકિનાવાથી એફ-૧૫ સી ઇગલ લડાયક વિમાનની સાથે ગઇકાલે ઉત્તર કોરિયાના પૂર્વીય જળક્ષેત્ર પરથી આંતરરાષ્ટ્રીય હવાઇ પટ્ટીમાં ઉડાન ભરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાનો અણુ કાર્યક્રમ એશિયા પેસિફિક પ્રદેશ અને સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ખતરા સમાન છે. દરમિયાન ૨૩ સપ્ટે.૨૦૧૭ના રોજ ઉત્તર કોરિયાએ અમેરિકન વિરોધી રેલીનું કીમ-૨ સંગ સ્ક્વેર ખાતે આયોજન કયુર્ં.