(એજન્સી) રાખિને, તા.૧૩
મ્યાનમારના રાખિનેમાંથી દમનને કારણે કંટાળી પોતાના જીવ બચાવવા ભાગી ગયેલ લાખો રોહિંગ્યા શરણાર્થીઓની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા મ્યાનમારના નોબલ વિજેતા નેતા આંગ સાન સૂ કી પાસે જાપાન દ્વારા માગણી કરવામાં આવી છે.
રોયટરના અહેવાલ મુજબ જાપાનના વિદેશ મંત્રી તારો કોનોએ મ્યાનમાર મુલાકાત દરમ્યાન સત્તારૂઢ નેતા આંગ સાન સૂ કીની મુલાકાત લીધી હતી. આ મીટિંગમાં તારાકોનો સૂ કીને જણાવ્યું કે મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમ અલ્પસંખ્યકોની હાલની સ્થિતિને લઈને ટોક્યો સરકાર ચિંતિત છે. આ સંદર્ભમાં વિદેશમંત્રી કોનોએ સૂ કી પાસે લાખો રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને સુરક્ષિત રીતે મ્યાનમારમાં પાછા લાવી શકાય તે માટેના કાર્યને નિશ્ચિત કરવાની માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ રાખિને પ્રાંતમાં ઓગસ્ટના અંતમાં આંતરિક સુરક્ષાબળો દ્વારા દમન આચરવામાં આવ્યું હતું જેને પગલે સાડા છ લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમોને રાખિને પ્રાંતમાંથી સ્થળાંતર કરવું પડ્યું હતું અને બાંગ્લાદેશમાં આશ્રય લીધો હતો.