પાલેમબાંગ,તા.૨૩
ભારતીય ટેનિસ પ્લેયર અંકિતા રાયનાએ એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક મેડલ અપાવ્યો છે. અંકિતાએ અહીં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ચીનની ઝાંગ શુહાઈ સામે મહિલા સિંગલ્સની સેમિફાઈનલમાં હારતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અંકિતા અને શુહાઈ વચ્ચે બે કલાક લાંબી મેચ ચાલી હતી અને અંતે અંકિતાનો ૪-૬, ૬-૭ (૬)થી પરાજય થયો હતો. આ અગાઉ ૨૦૦૬ની દોહા એશિયન ગેમ્સમાં ટેનિસ સેન્સેશન સાનિયા મિર્ઝાએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવીને ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ ગ્વાંગઝોઉમાં સાનિયાએ બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
૨૫ વર્ષીય ટેનિસ પ્લેયર અંકિતા સાનિયા મિર્ઝા બાદ બીજી મહિલા બની છે જેણે એશિયન ગેમ્સમાં ટેનિસમાં દેશ માટે મેડલ જીત્યો હોય. બન્ને સેમિફાઈનલ મેચર હારનાર ખેલાડીને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવે છે.
આ સાથે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં ભારતીય પ્લેયર્સે ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૧૬ મેડલ મેળવ્યા હતા.