નવી દિલ્હી,તા.ર
આશિષ નેહરાની ક્રિકેટમાંથી વિદાય સ્ટાર જેવી રહી તેમ છતાં તે ભારતીય ક્રિકેટપ્રેમીઓના વલણમાં ફેરફાર ઈચ્છે છે. તેણે કહ્યું કે ફક્ત ખેલાડીઓને નહીં પણ રમતને મહત્ત્વ આપો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર નેહરાએ કહ્યું કે મારું માનવું છે કે આપણા દેશમાં ફ્કત સ્ટાર ખેલાડીઓને જ મહત્ત્વ આપવામાં આવે છે. આપણે ઓસ્ટ્રેલિયા અથવા દ. આફ્રિકા જેવા નથી. આપણા દેશમાં રમતથી વધારે સ્ટાર ખેલાડીઓને પ્રેમ મળે છે. હું ઈચ્છું છું કે રણજી ટ્રોફીમાં પણ દર્શકોએ મેચ જોવા જવું જોઈએ. નેહરાને આંકડા અને તુલના કરવી પણ પસંદ નથી પણ કેપ્ટનશીપના મામલામાં તે સૌરવ ગાંગુલીને પ્રેરણાદાયક કપ્તાન માને છે. તેણે કહ્યું કે ગાંગુલી ખેલાડીઓને ખૂબ જ સારી રીતે પ્રેરિત કરે છે. તેમણે યુવા ખેલાડીઓમાં ઝહીરખાન, યુવરાજસિંહ અને હરભજનસિંહ પાસે સારું પ્રદર્શન કરાવ્યું. ભવિષ્ય વિશે નેહરાએ કહ્યું કે મેં કોઈ યોજના બનાવી નથી પણ કોચિંગ અથવા કોમેન્ટરી કરવાનું વિચારી શકાય.
સંન્યાસથી ભાવુક થયેલા યુવરાજે નેહરાને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો
નવી દિલ્હી,તા.ર
નેહરાને એક સાચો મિત્ર અને પ્રેરણાસ્ત્રોત ગણાવતા યુવરાજસિંહ તેના સંન્યાસ લેવાને પોતાના માટે ભાવુક ગણાવતા કહ્યું કે જો તમારી સાથે નેહરા હોય તો તમારો દિવસ ખરાબ જશે નહીં. તે તમને હસાવી હસાવીને થકવી દેશે. મેં તેને ક્યારેય જણાવ્યું નથી પણ હું તેની પાસેથી હંમેશા પ્રેરણા લઉં છું. યુવીએ કહ્યું કે હું વિચારતો હતો કે ૩૮ વર્ષની ઉંમરમાં આટલી ઈજા અને ઓપરેશન બાદ આ આટલી ઝડપી બોલિંગ કરી શકે છે તો હું ૩૮ વર્ષની ઉંમરમાં બેટિંગ કેમ ના કરી શકું. આનાથી જ મને પ્રેરણા મળે છે.