(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
ફેસબુક ઉપર કોનો કન્ટ્રોલ છે તે અંગે જાગેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. કોંગ્રેસે ફરીથી આ સમગ્ર ઘટનાની તપાસ કરાવવાની માંગ કરી હતી. પક્ષના સંગઠન મંત્રી કેસી વેણુગોપાલે ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગને એક પત્ર લખીને આ સમગ્ર વિવાદની ઉચ્ચસ્તરી તપાસ કરાવવાની માંગ કરી હતી. વેણુગોપાલે તેમના પત્રમાં વોલ સ્ટ્રીટ જનરલમાં પ્રસિદ્ધ થયેલા લેખનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પોતાના પત્રમાં કોંગ્રેસના નેતા વેણુગોપાલે આક્ષેપ મૂક્યો હતો કે ફેસબુક ઇન્ડિયાના કર્મચારી અંખી દાસે ચૂંટણી સંબંધી વિવિધ કાર્યોમાં ભાજપને મદદ કરી હતી, તેથી અમારો પક્ષ ફેસબુક ઇન્ડિયાના તમામ કામકાજની તપાસ કરવાની માંગ કરે છે. આ તપાસ ઉચ્ચસ્તરીય હોવી જોઇએ અને તેનો અહેવાલ દેશ સમક્ષ રજૂ થવો જોઇએ અને ત્યાં સુધી ફેસબુક ઇન્ડિયાની એક નવી ટીમ બનાવવી જોઇએ. માર્ક ઝુકરબર્ગને લખેલા પત્રમાં વેણુગોપાલે કહ્યું હતું કે કોંગ્રેસે અનેકવાર ફેસબુક ઇન્ડિયાના અધિકારીઓ સમક્ષ પક્ષપાત અને ભેદભાવ થઇ રહ્યો દોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ફેસબુક તેની ભારતની ટીમના કામકાજ ઉચ્ચસ્તરીય તપાસ કરાવે અને યોગ્ય સમયમાં તેનો અહેવાલ ફેસબુકને સોંપે એવૂ સૂચન કરવાની માંગ કરવામાં આવે છે.
પોતાના પત્રમાં વેણુગોપાલે વધુ માંગણી કરતાં કહ્યું હતું કે હાલના સંજોગોમાં આ મુદ્દે જેટલા પણ નેતાઓએ નફરત ફેલાવતી પોસ્ટ મૂકી હતી તે તમામના નામ જાહેર થવા જોઇએ કેમ કે વોલ સ્ટ્રીટ જનરલે ત્રણ નેતાઓના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે ફક્ત કોંગ્રેસ એકલી ફરિયાદ નથી કરતી પરંતુ અન્ય વિપક્ષો પણ પક્ષપાત થઇ રહ્યો હોવાની પરિયાદો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વોલ સ્ટ્રીટ જનરલે “ફેસબુક હેટ-સ્પિચ કોલિડેડ વીથ ઇન્ડિયન પોલિટિક્સ’’ શીર્ષક હેઠળ એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો જેનાથી ભારતમાં ભારે વિવાદનો વંટોળ સર્જાયો હતો. આ લેખમાં વોલ સ્ટ્રીટ જનરલે આરોપ મૂક્યો હતો કે ફેસબુક ભારતમાં સત્તાધીશ પક્ષ ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક, ભડકાઉ અને નફરત ફેલાવતી પોસ્ટ બાબતે તેના નિયમોમાં છૂટછાટ મૂકે છે. આ લેખમાં તેલંગાણાના ભાજપના નેતા ટી. રાજા સિંહની એક પોસ્ટનો ઉલ્લેખ કરાયો છે. આ પોસ્ટમાં રાજા સિંહે મુસ્લિમો વિરૂદ્ધ હિંસા આચરવાની હિમાયત કરી હતી. રાજા સિંહની પોસ્ટ ગે ફેસબુક ઇન્ડિયાના કર્મચારીઓએ કહ્યું હતું કે તેમણે રાજા સિંહની આ ઉશ્કેરણીજનક પોસ્ટનો સખત વિરોધ કર્યો હતો અને તેને કંપનીના નિયમો વિરૂદ્ધ ગણાવી હતી પરંતુ કંપનીના ટોચના અધિકારીઓએ તે પોસ્ટને ડિલીટ કરવા માટેના કોઇ પગલાં લીધા નહોતાં.