(એજન્સી) નવી દિલ્હી,તા.૩
સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનામાં દિલ્હીમાં ૧૪૦ કિલોમીટર રેલવે ટ્રેક સાથે બનેલ ૪૮,૦૦૦ ઝૂંપડપટ્ટીઓને હટાવવાનો નિર્દેશ આપ્યો છે અને કહ્યું છે કે આ પગલાંના અમલીકરણમાં કોઈ રાજકીય દખલ ન થવી જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે તબક્કાવાર ઝૂંપડપટ્ટીઓને દૂર કરવામાં આવશે.
જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની ત્રણ સભ્યોની બેન્ચે જણાવ્યું કે, જો કોઈપણ અદાલત આ વિસ્તારમાં અતિક્રમણ હટાવવા અંગે જો કોઈ વચગાળાના આદેશ પસાર કરશે તો તે અસરકારક રહેશે નહીં.
બેન્ચે કહ્યું હતું કે, “અમે બધા હિત ધરાવતા લોકોને નિર્દેશો આપીએ છીએ કે, ઝૂંપડપટ્ટીઓને દૂર કરવા માટે એક વ્યાપક યોજના બનાવે અને તેનો અમલ તબક્કાવાર થવો જોઈએ.” સુરક્ષિત વિસ્તારોમાં થયેલા અતિક્રમણને ત્રણ મહિનાની અંદર હટાવી દેવા જોઈએ અને તેમાં કોઈ દખલ, રાજકીય કે બીજું કંઇપણ ન હોવું જોઈએ અને આવા મામલામાં અદાલતે કોઈપણ પ્રતિબંધ લાદવો જોઈએ નહીં.’ બેન્ચે કહ્યું હતું કે જો અતિક્રમણ સંદર્ભે વચગાળાનો આદેશ આપવામાં આવે તો તે અસરકારક રહેશે નહીં. ઇપીસીએએ પોતાના અહેવાલમાં રેલવેને વિનંતી કરી છે કે સોલિડ વેસ્ટના સંચાલન માટે સમયમર્યાદા પૂર્ણ યોજના નિર્દેશિત કરવામાં આવે, જે દિલ્હીથી ઉત્તરીય ક્ષેત્રમાં અને તેના નજીકના વિસ્તારોથી શરૂ થાય છે. બેન્ચે કહ્યું હતું કે, “અમે ત્રણ મહિનાની અંદર પ્લાસ્ટિકની થેલીઓ, કચરો વગેરે દૂર કરવાના સંદર્ભમાં યોજનાનો અમલ કરાવીશું અને તમામ હિત ધરાવતા એટલે કે રેલવે, દિલ્હી સરકાર અને સંબંધિત નગરપાલિકાઓ તેમજ દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ (ડીયુઆઇએસબી)ની બેઠક આગામી અઠવાડિયા માટે બોલાવે અને પછી કામ શરૂ કરે. બેન્ચે જણાવ્યું હતું કે આવશ્યક ખર્ચનો રાજ્ય સરકારના ૩૦ ટકા અને રેલવે ૭૦ ટકા હિસ્સો ઉઠાવશે અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, રેલવે અને સરકારી એજન્સીઓ દ્વારા માનવ બળ વિના મૂલ્યે આપવામાં આવશે અને તેઓ એકબીજાથી તે વસૂલશે નહીં. સર્વોચ્ચ અદાલતે એસડીએમસી, રેલવે અને અન્ય એજન્સીઓને આદેશ આપ્યો છે કે તેમના કોન્ટ્રાક્ટરો રેલવે ટ્રેકની બાજુમાં કચરો ન નાખે અને રેલવેને પણ ટ્રેક ઉપર કચરો ન નાખવા માટે લાંબા ગાળાની યોજના કરવી પડશે. બેન્ચે કહ્યું હતું કે, “ઇપીસીએ રિપોર્ટમાં બહાર આવેલી તસવીર સાથે રેલવે દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબમાં બતાવવામાં આવ્યું છે કે હજી સુધી કંઇ કરવામાં આવ્યું નથી અને કચરાના ઢગ થઇ ગયા છે. આ મામલે જે કાર્યવાહી કરવામાં આવી છે તે એક મહિનાની અંદર આ કોર્ટમાં પહોંચાડવી જોઈએ.