(એજન્સી) તા.૧૯
જ્યારે દુનિયાભરમાં એવી સ્થિતિ છે કે વિદ્યાર્થીઓ સહિત દરેક લોકો ઘરમાં કેદ છે અને લૉકડાઉન જેવી સ્થિતિને કારણે તમામ શાળા તથા શૈક્ષણિક સંસ્થાનો બંધ છે અને ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યું છે ત્યારે એવા બાળકો પણ છે જેમની પાસે આવા ઓનલાઈન ક્લાસમાં ભાગ લેવા માટે પૂરતાં સાધનો પણ નથી. તેમની પાસે ન તો મોબાઈલ છે, ન તો કમ્પ્યુટર.
આ દરમિયાન ઓનલાઈન ક્લાસ જ્યારે વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત બની ગયા છે ત્યારે શિક્ષકો અને સ્કૂલો દ્વારા વોટ્સએપ ગ્રુપ તથા અન્ય શૈક્ષણિક વીડિયોના માધ્યમથી અભ્યાસક્રમ ચલાવાઈ રહ્યો છે. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પણ એવા અનેક વિદ્યાર્થીઓ છે જેઓ આવા ક્લાસથી વંચિત છે.
જો કે, આ દરમિયાન જ આવા બાળકોની સમસ્યાને દૂર કરવા માટે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં પણ ૬૦ ટકા જેટલા બાળકો એવા હતા કે જેમની પાસે સ્માર્ટફોન કે જરૂરી ઈન્ટરનેટ સેવા પણ નહોતી. આ સંકટ સામે લડવા માટે જિલ્લા પરીષદ ઉર્દૂના પ્રાથમિક શાળાના શિક્ષક જાવેદ કાઝીએ આગળ આવીને મદદ કરવાનો વિચાર રજૂ કર્યો. ધોરણ ૧થી ૫ના વંચિત વિદ્યાર્થીઓ માટે તેમણે એક વર્કબૂકની ઓફર કરી. તેના માધ્યમથી તેઓ વાંચન, લેખન અને સવાલોના જવાબો ઘેર બેઠા સોલ્વ કરવા લાગ્યા. તેના માટે તેમણે સંબંધિત શિક્ષકો અને ઘરના મોટા લોકોને ટેલિફોનિક ગાઈડન્સની સુવિધા કરી આપી.
એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં જાવેદ કહેછે કે હું મારી માતૃભાષા ઉર્દૂ તથા વિદ્યાર્થીઓને સેવા કરવા માટે આ પહેલ કરી રહ્યો છું. હું આના માધ્યમથી પૈસા કમાવવા માગતો નથી. આ નોટબૂક વધારે પડતી મોંઘી પણ નથી. જાવેદ કહે છે કે તેના પૈસા ક્લાસના ટીચર પણ ખર્ચી શકે છે. અમે અમારા ગરીબ વિદ્યાર્થીઓનું નાણાકીય ભારણ વધારવા માગતા નથી. તે કહે છે કે હજારો કોપીઓ અમે તૈયાર કરી છે જેમાં સિલેબસને કાંટછાંટ કરીને આવરી લેવામાં આવ્યું છે.