(એજન્સી) લખનઉ, તા. ૨
બહુજમ સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કેટલાક દિવસ પહેલા જણાવ્યું હતું કે, તેઓ ભાજપને મત આપતા પણ ખચકાશે નહીં પરંતુ હવે તેમણે પોતાનું નિવેદન બદલ્યું છે અને કહ્યું છે કે, ભાજપ સાથે કોઇ ગઠબંધન કરવાને બદલે તેઓ રાજનીતિમાંથી સંન્યાસ લેવાનું પસંદ કરશે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, કોઇપણ ચૂંટણીમાં ભાજપ સાથે બસપાનું કોઇ ગઠબંધન ભવિષ્યમાં પણ સંભવ નથી. બીએસપી એક કોમવાદી પાર્ટી સાથે ચૂંટણી લડી ના શકે. અમારી વિચારધારા સર્વજન સર્વધર્મ હિતાયની છે અને ભાજપની વિચારધારા તેનાથી અલગ છે. જે કોમવાદી, જાતિવાદી અને મૂડીવાદી વિચારધારા ધરાવે છે તેમની સાથે બસપા ગઠબંધન નહીં કરે. ઉલ્લેખનીય છે કે, માયાવતીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, વિધાન પરિષદ અને રાજ્યસભા સહિત ભવિષ્યની ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની હાર નક્કી કરવા તેમની પાર્ટી ભાજપને મત આપવાથી ખચકાશે નહીં. યુપીમાં સાત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પહેલાના મતદાનના એક દિવસ અગાઉ બીએસપીના અધ્યક્ષ પર ભાજપ સાથે મળી ગયા હોવાના આરોપ વચ્ચે આ સ્પષ્ટતા આવી છે. માયાવતીએ કહ્યું કે, તેમની પાર્ટી ભાજપની વિચારધારાથી વિપરિત છે અને ભવિષ્યમાં વિધાનસભા અથવા લોકસભા ચૂંટણીઓમાં ભાજપ સાથે ક્યારેય ગઠંબધન કરશે નહીં. પેટાચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ અમારી વિરૂદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે અને ખોટી રીતે પ્રચાર કરે છે જેથી મુસ્લિમ સમાજના લોકો અમારાથી અલગ થઇ જાય. તેમણે કહ્યું કે, હું કોમવાદી, જાતિવાદી અને મૂડીવાદી વિચારધારા રાખનારાઓ સાથે તમામ મોરચે લડત આપશે અને કોઇની સામે ઝૂકશે નહીં. મારા શાસનમાં કોઇ હિંદુ-મુસ્લિમ તોફાનો નથી થયા અને ઇતિહાસ તેનો સાક્ષી છે. ભાજપ સાથે મજબૂરીમાં સરકાર બનાવી છતાં પોતાના સ્વાર્થ ખાતર વિચારધારા વિરૂદ્ધ કામ નથી કર્યું.