(એજન્સી)નવી દિલ્હી, તા. ૨
આવશ્યક વસ્તુઓની કિંમતોમાં વધારો, અર્થવ્યવસ્થામાં મંદી અને કૃષિ કાયદાઓને લઇને ખેડૂતોના પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ સતત સરકાર પર નિશાન સાધી રહી છે. પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, ‘દેશના ખેડૂતોએ મંડી માગી અને વડાપ્રધાને તેમને ભયાનક મંદી પકડાવી દીધી.’ ઉલ્લેખનીય છે કે, આકાશ આંબતી મોંઘવારી વચ્ચે દેશની અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. કોંગ્રેસે કાળાબજાર કરનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા અને મોંઘવારી પર રોક લગાવવા માટે બજારમાં ખાદ્ય વસ્તુઓનો પૂરતો ભંડાર પૂરો પાડવા કહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે ડુંગળી અને બટાકાની કિંમતોના આકાશ આંબવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે ૧૦ વર્ષમાં સર્વોચ્ચ સ્તરે છે. સરકાર પર અજાણી બનવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સરકાર ભંડારને સડવા માટે રાખી રહી છે અને તેની કિંમત લોકો ચૂકવી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગત અઠવાડિયે કહ્યું હતું કે, ડુંગળીની વધતી મોંઘવારીથી ગ્રાહકોને છૂટકારો અપાવવા માટે એક લાખ ટન બફર સ્ટોક જારી કરવા સહિત વિવિધ પગલાં ઉઠાવાઇ રહ્યા છે. ડુંગળીના ભાવ વધવાની બાબતે સરકારનું ધ્યાન છે. નાફેડ પાસે રહેલો ડુંગળીનો એક લાખ ટન બફર સ્ટોક જારી કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે સમય હેલા જ દેશમાંથી ડુંગળીની નિકાસ પર રોક લગાવી છે. જ્યારે તેની આયાતના માર્ગો ખોલી દીધા છે. બીજી તરફ નિષ્ણાતો જણાવે છે કે, સામાન્ય લોકોની પહોંચથી ડુંગળી અને બટાકા દૂર થઇ રહ્યા છે. કોરોના લીધે સામાન્ય લોકો સંકટમાં છે. શાકભાજીની કિંમતોમાં થયેલા ઉછાળાથી તેમની સમસ્યા વધી ગઇ છે. આવશ્યક વસ્તુઓની કિંમતોમાં વૃદ્ધી, મજૂરીમાં ઘટાડો અને બેરોજગારી વધવાનેકારણે સરકારના રાહત પેકેજ કોઇ કામ લાગ્યા નથી અને ગરીબ પરિવારોની સ્થિતિ ખરાબ છે. મધ્યમવર્ગના પરિવારોના રસોડાનું મેનેજમેન્ટ બગડ્યું છે અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.