(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૦
આણંદ જિલ્લાના સોજીત્રા, બોરસદ, આણંદ, ઉમરેઠ અને ખંભાત વિસ્તારમાં પુનઃ કોરોના સંક્રમણ સક્રિય બન્યું છે. દિવાળી પર બેફામ બનીને લોકોએ કોવિડના નિયમોનું ધરાર અવગણના કરતા હાલમાં ગામેગામ શંકાસ્પદ કેસોમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આશરો લઈ રહ્યા હોવાથી તેની નોંધ સરકારી ચોપડે મોડે થતી હોવાથી સાચો આંકડો બહાર આવતો નથી. જો કે, છેલ્લા પાંચ દિવસમાં જ ૭૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ૩૦ ટકા કેસ આણંદ શહેરના જ છે. જ્યારે આજુબાજુના ગામડાઓમાં પણ કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા પીએચસી કેન્દ્રોમાં રેપિડ ટેસ્ટની કામગીરી પુનઃ શરૂ કરવાની તંત્રની ફરજ પડી છે.
પેટલાદ તાલુકાના સુણાવ ગામે તથા આજુબાજુના ગામડાઓમાં દિવાળી બાદ શંકાસ્પદ કેસો વધી રહ્યા છે. જેને ધ્યાને લઈ સુણાવ પીએચસી કેન્દ્રોમાં દૈનિક ૨૦થી ૪૦ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ તો માત્ર દવા વિતરણ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. પરંતુ કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓના પરાં વિસ્તારોમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સંક્રમણ છાશવારે ઉથલો મારી રહ્યું છે. ગુરૂવારે ૧૯ કેસ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે જેમાં બોરસદમાં ૬, પેટલાદમાં ૨, ઉમરેઠમાં ૨, ખંભાતમાં ૧ જ્યારે આણંદ તાલુકામાં ૬, તારાપુરમાં ૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં આણંદ જિલ્લામાં ૬૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૫૭ દર્દીઓની હાલત સ્થિર છે, ૬ દર્દીઓ ઓક્સિજન પર છે. જેમાંથી ૨૩ દર્દીઓ હોમ આઈસોલેશન પર છે અને પાંચ દર્દીઓ બહારના જિલ્લામાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી આણંદ જિલ્લામાં ૧,૧૩,૩૧૦ના સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧,૧૧,૬૪૯ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.