અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપો બાદ રાજ્યમાં જારી રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્રને શિવસેનાની ચીમકી
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર દ્વારા રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે રાજ્કીય યુદ્ધ છેડાયું છે. ત્યારે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં વિપક્ષના આક્ષેપો અંગે તંત્રીલેખ લખી જણાવ્યું હતું કે, આ તમામ ઘટના પાછળ ભાજપનો દોરસંચાર છે. પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ ભાજપની કથપૂતળી છે અને મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા પણ સમગ્ર પ્રકરણમાં ભૂમિકા ભજવવામાં આવી રહી છે. શિવસેનાએ જણાવ્યું હતું કે, ભાજપ પરમબીર સિંહને માથે બેસાડી નાચી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની સરકારને બદનામ કરવા માટે ભાજપ દ્વારા કાવતરૂં ઘડવામાં આવ્યું છે. પરમબીર વિશ્વાસપાત્ર અધિકારી નથી. કાલ સુધી ભાજપનો પરમબીર અંગે આ મત હતો. અને હવે ભાજપે તેમને માથે ચઢાવ્યા છે. એમાં કોઈ બેમત નથી કે, પરમબીર એક જવાબદાર અધિકારી છે. તેમણે અનેક ઘટનાઓ પોતાની કોઠાસૂઝ વડે ઉકેલી છે. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તેમના નેતૃત્વમાં મુંબઈ પોલીસે સારી કામગીરી કરી હતી. બીજી તરફ રાજ્યપાલ રાજભવનમાં બેસી અલગ જ કાંકરીચાળો કરી રહ્યાં છે. એટલું જ નહીં કેન્દ્રીય તપાસ એજન્સીઓ કેન્દ્ર સરકારના ઈશારે દબાણનું રાજકારણ રમી રહી છે. જો રાજ્યના કોઈ ભાગમાં વીજળીના તાર પર લટકી ચાર મુરઘાં અને બે કાગડા મૃત્યુ પામે તો તેની તપાસ માટે પણ કેન્દ્ર સરકાર રાજ્યમાં સીબીઆઈ કે એનઆઈએને મોકલશે. રાજ્ય સરકાર પાસે આજની તારીખમાં પણ પૂર્ણ બહુમત છે. માટે પરમબીરને મહોરૂં બનાવી ભાજપ દ્વારા રમત રમાઈ રહી છે. જે હવે સ્પષ્ટ થઈ ગયું છે. વિપક્ષે એ ન ભૂલવું જોઈએ કે, કોઈ અધિકારીના કારણે ન તો સરકાર રચાય છે ન તો સરકાર પડે છે. ભાજપે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો વિચાર પણ ન કરવો જોઈએ. મહારાષ્ટ્ર ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળવા દિલ્હી જાય છે, જેના બે દિવસ બાદ પરમબીર સિંહ દેશમુખ પર આરોપો કરતો પત્ર લખે છે. ત્યારબાદ વિપક્ષે જે હંગામો કર્યો છે તે તમામ કાવતરાનો એક ભાગ છે.
મહારાષ્ટ્રની સરકારમાં મચેલી હલચલ વચ્ચે સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રેસ કૉન્ફરન્સ કરી. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામા પર મચેલા ઘમાસાણને લઈને સંજય રાઉતે કહ્યુ કે જો સરકાર યોગ્ય તપાસ માટે તૈયાર છે તો પછી વારંવાર રાજીનામાની વાત કેમ કરી રહી છે. સંજય રાઉતે આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ આવું પગલું ઉઠાવી રહ્યા છે તેમના માટે યોગ્ય હશે નહીં. જો આવું વિચાર્યું તો હું ચેતવણી આપું છું કે, આ આગ તેમને પણ સળગાવી દેશે.
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો એનસીપી પ્રમુખ શરદ પવારે એ નક્કી કર્યુંર્ કે, અનિલ દેશમુખની ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા છે. તેમાં તથ્ય નથી તો તેમની તપાસ થવી જોઈએ. સંજય રાઉતે કહ્યું કે, જો અમે બધાના રાજીનામા લેતા રહીશુું તો સરકાર ચલાવવી મુશ્કેલ થઈ જશે. સંજય રાઉતે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી છે, ત્યાં સુધી તમામ કેસની તપાસ યોગ્ય રીતે કરવામાં આવશે. શિવસેના નેતાએ સ્પષ્ટ કર્યું કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરના ખભા પર બંદુક રાખીને ગોળી ચલાવવામાં આવી રહી છે, વિરોધી પક્ષ લોકોને ગુમરાહ કરી શકે નહીં. સમગ્ર વિવાદ પર સંજય રાઉતે કહ્યું કે, ત્રણેય પાર્ટીઓમાં જે પણ નક્કી થયું છે, અંતિમ નિર્ણય કેબિનેટના મંચ પર મુખ્યમંત્રી દ્વારા જ લેવામાં આવશે. સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઈ વાળ પણ વાંકો કરી શકે નહીં અને સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે.