(એજન્સી) તા.૭
દિલિપકુમારનું ૯૮ વર્ષની વયે નિધન થઈ ગયું. તેમના નિધનથી હિન્દી સિનેજગતના ગોલ્ડન એરાનો અંત આવી ચૂક્યું છે. તેઓ ટ્રેજિક હીરો તરીકે પ્રસિદ્ધ હતા અને તેમને ટ્રેજડી કિંગ તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ લાઈટ હાર્ટેડ કોમેડી કરવામાં પણ માહેર હતા.
તેમને હિન્દી ફિલ્મ સ્ક્રિનના મહાન કલાકાર માનવામાં આવે છે. તેમણે રાજકપૂર તથા દેવ આનંદ જેવા દિગ્ગજો સાથે કામ કર્યું છે. દિલિપકુમારનો જન્મ યુસુફ ખાન તરીકે પેશાવરમાં થયો હતો. તે સમયે તેઓ મુસ્લિમ ઓળખને કારણે સંઘર્ષ કરી રહ્યા હતા.
૧૯૯૮માં તેમને જ્યારે પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કરાયા ત્યારે વિવાદ છંછેડાઈ ગયો હતો. કારગિલ યુદ્ધના એક વર્ષ બાદ તેમને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ત્યારે તેમના મિત્ર બાલ ઠાકરેએ જ તેમને પાછા જતા રહેવાની માગ કરી હતી.
શિવસેનાના કાર્યકરોએ ત્યારે દિલિપકુમારના ઘરની બહાર ભારે દેખાવો કર્યા હતા અને છેવટે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તે સમયે દખલ કરી હતી અને તેમને દેશભક્ત ગણાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
યુસુફખાનને દિલિપકુમાર નામ દેવિકા રાનીએ આપ્યો હતો. તે બોમ્બે ટોકીઝની સ્ટાર હતી. આ એક ફિલ્મ સ્ટુડિયો છે. તેણે જ દિલિપકુમાર નામની ભલામણ કરતા કહ્યું હતું કે, આ નામ વધુ રોમેન્ટિક લાગે છે અને આ નામ લોકોએ મોટાભાગે સ્વીકાર્યુ હતું. બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલિપકુમારનું સાત જુલાઈના રોજ ૯૮ વર્ષની ઉંમરે નિધન થયું હતું. દિલિપકુમારે બોલિવૂડ કરિયરની શરૂઆત ૧૯૪૪માં ફિલ્મ ‘જ્વાર ભાટા’થી કરી હતી. ૧૯૪૭માં તેમણે ફિલ્મ ‘જુગનૂ’માં કામ કર્યું હતું. આ ફિલ્મની સફળતાથી દિલિપકુમાર લોકપ્રિય થયા હતા.
ત્યાર બાદ તેમણે ‘શહીદ’, ‘અંદાજ’, ‘દાગ’, ‘દીદાર’, ‘મધુમતિ’, ‘દેવદાસ’, ‘મુસાફિર’, ‘નયા દૌર’, ‘આન’, ‘આઝાદ’ સહિત અનેક સુપરહિટ ફિલ્મ આપી હતી. તેમણે બ્લેક એન્ડ વ્હાઈટ સિનેમામાં કામ કર્યું છે.
દિલીપ સાહેબને ટ્રેજેડી કિંગની સાથે સાથે ઓલરાઉન્ડર એક્ટર પણ કહેવામાં આવ્યા હતા. માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં તેઓ બોલિવૂડના નંબર વન એક્ટર બની ગયા હતા. રાજ કપૂર તથા દેવ આનંદની બોલિવૂડમાં એન્ટ્રી બાદ ‘દિલીપ-રાજ-દેવ’ની ત્રિમૂર્તિએ લાંબા સમય સુધી ચાહકોનાં દિલમાં રાજ કર્યું હતું.
જાણીતી ફિલ્મ નિર્માણ સંસ્થા બોમ્બે ટોકીઝની દેન દિલિપકુમાર છે. અહીં દેવિકા રાનીએ તેમને કામ અને નામ આપ્યાં હતાં. તેમનું મૂળ નામ યુસુફ સરવર ખાન છે અને દેવિકા રાનીએ તેમને દિલિપકુમાર નામ આપ્યું અને અહીં જ તેઓ એક્ટિંગની બારીકાઈ શીખ્યા હતા. પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’ માટે તેમને ૧૨૫૦ રૂપિયા મળ્યા હતા. એ સમયે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી.
અશોક કુમાર તથા શશધર મુખર્જીએ ફિલ્મિસ્તાનની ફિલ્મથી લઈને દિલિપકુમારના કરિયરને યોગ્ય દિશામાં આગળ વધારી હતી. તો નૌશાદ, મહબૂબ, બિમલ રાય કે આસિફ તથા દક્ષિણના એસએસ વાસને દિલિપકુમારની સાથે અનેક ફિલ્મ બનાવી હતી.
૪૪ વર્ષની ઉંમરમાં એક્ટરે સાયરાબાનો સાથે લગ્ન કર્યા હતા. તેમણે અનેક ફિલ્મમાં સાથે પણ કામ કર્યું છે. તેમણે પછી કામ તથા આરામનો ફંડા અપનાવ્યો હતો. દિલિપકુમારે પોતાની લોકપ્રિયતાને પૈસા કમાવવામાં ક્યારેય વાપરી નહોતી.
પદ્મભૂષણથી લઈ દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત દિલિપકુમારે પોતાના કરિયરમાં માત્ર ૫૫-૬૦ જેટલી ફિલ્મ કરી હતી. તેમણે હંમેશાં એ વાતનું ધ્યાન રાખ્યું કે એક્ટિંગને કારણે તેમની ઈમેજ ખરાબ ના થાય. તેમને પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.