મુંબઈ,તા. ૮
સોનમ કપૂર અને આનંદ આહૂજા એકબીજાના થઇ ચુક્યા છે. આજે તેમના લગ્ન થઇ ગયા હતા. સોનમ પોતાના સાથી આનંદની સાથે નવી જિંદગી શરૂ કરી ચુકી છે. તેમના લગ્ન આજે સવારે સીખ પરંપરા મુજબ થયા હતા. લગ્નમાં સામેલ થવા માટે તેમના પરિવારના સભ્યો ઉપરાંત બોલીવુડમાંથી તમામ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સોનમ અને આનંદના લગ્ન તેમના સંબંધી કવિતાસિંહના બાંદરા સ્થિત હેરિટેજ બગલા ઉપર થયા હતા. લગ્નને લઇને અહીં જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. તેમના આનંદ બાગ મહેમાનો માટે લંચની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સોનમના ચાહકો માટે એક વિડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવ્યો છે જેમાં તેમના ભાઈ અર્જુન કપૂર અને હર્ષવર્ધન તેને લાવતા નજરે પડે છે. સાંજે સોનમ અને આનંદના લગ્નને લઇને ભવ્ય રિસેપ્શનનું આયોજન કરાયું હતું જેમાં બોલીવુડની તમામ હસ્તીઓ પહોંચી હતી. લગ્નમાં કરીના કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી, સ્વરા, કરણ જોહર, અભિષેક બચ્ચન, શ્વેતા નંદા, જેકલીન ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત અર્જુન કપૂર, જ્હાનવી, સંજય કપૂરના પરિવારના સભ્યો પણ હતા. રવિવારના દિવસે મહેંદીની રસમ હતી. સોમવારના દિવસે સંગીતનું આયોજન કરાયું હતું જ્યાં બંનેના પરિવારના સભ્યો પહોંચ્યા હતા. આ લગ્નને લઇને છેલ્લા ઘણા સમયતી તૈયારીઓ ચાલી રહી હતી. સંગીત કાર્યક્રમમાં બંનેના પરિવારના સભ્યો ઝૂમતા નજરે પડ્યા હતા. લગ્નની તૈયારી અનિલ કપૂરના આવાસ ઉપરપણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. આખરે ભવ્યરીતે આજે લગ્ન થઇ ગયા હતા.