(એજન્સી) તા.૩૧
ભારત સરકાર એવી કંપનીની શોધમાં છે જે સોશિયલ મીડિયા પોસ્ટનું વિશ્લેષણ કરીને રાષ્ટ્રવાદને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે અને દેશ વિરુદ્ધ થતા અપપ્રચારને રોકી શકે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક ઓનલાઇન ટેન્ડર જારી કરીને જણાવ્યું છે કે તે એક એવી કંપની ઇચ્છે છે કે જે વિશ્લેષણ કરી શકે એવું સોફ્ટવેર ઉપલબ્ધ કરી શકે અને લગભગ ૨૦ લોકોની ટીમ સાથે સરકાર માટે રીઅલ ટાઇમ ન્યૂ મીડિયા કમાન્ડ રૂમની સુવિધા આપી શકે. ટેન્ડરમાં જણાવાયું છે કે આ કંપની ટ્વીટર, યૂ-ટ્યૂબ, લિંક્ડ ઇન સહિત તમામ ઇન્ટરનેટ ફોરમ અને એટલે સુધી કે ઇ-મેઇલનું વિશ્લેષણ કરીને ફેક ન્યૂઝ અને સરકારના નામે પ્રસારિત થતા સમાચારોને ઓળખી કાઢી શકે. સાથે જ સંવેદનશીલ અને ફેક સમાચારોને રોકવા ઉપરાંત એવી પોસ્ટ રજૂ કરી શકે કે જેનાથી સરકારની છબી સુધારવામાં મદદરુપ થાય.ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વિભાગના એસોસિએટ પ્રો.નિકીતા સુદે આ યોજનાને માસ સર્વેલન્સ ટૂલ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાષ્ટ્રવાદને સરકાર કે શાસક પક્ષ સાથે સંમતિની જેમ જોવામાં આવશે. ભારતીય લોકતંત્ર અને વિચાર તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો પર તેના ગંભીર પરિણામો આવશે. ભારતીય બંધારણ તેની ગેરંટી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૧૨ મહિનામાં કેટલીક વિધાનસભા અને લોકસભા માટે ચૂંટણી યોજાનાર છે. ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશનમાં સિનિયર ફેલો નિરંજન સાહુએ સરકારની આ યોજનાની કડક ટીકા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ મીડિયા કમાન્ડ રૂમ રશિયા અને ચીનમાં અગાઉથી અસ્તિત્વ ધરાવતી મોનિટરીંગ સિસ્ટમ જેવું છે કે જેની મદદથી નાગરિકો પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત આ પગલું મજબૂત ડેટા પ્રોટેક્શન કાયદા વગર ઉઠાવવામાં આવી રહ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ ટેન્ડરમાં ન્યૂૂ મીડિયા કમાન્ડ રુમની ભાવિ કાર્યપદ્ધતિ અંગે જણાવવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સરકારની ગતિવિધિઓ માટે પ્રાસંગિક ટ્રેન્ડ અને ટ્વીટર હેશટેગને ઓળખી કાઢવાના છે. કેન્દ્ર તેના દ્વારા કોઇ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટની દેખરેખ અને વાતચીતનું વર્ણન પણ પ્રાપ્ત કરવા માગે છે. ટેન્ડરમાં તેના માધ્યમથી ભારત પ્રત્યે સકારાત્મક લાગણીને પ્રોત્સાહન મળવાની વાત પણ કહેવામાં આવી છે.