(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પોતાના પક્ષ ભાજપના જ આલોચક યશવંત સિંહાએ કટોકટીને યાદ કરતાં કહ્યું કે આજે ૧૯૭પની કટોકટીની જેમ કોઈને જેલમાં ધકેલાયા નથી પણ આજે એનાથી વધુ ભય ફેલાયેલ છે. લોકો ભય હેઠળ જીવી રહ્યા છે. સરકાર સામે વાત નથી કરી શકતા. વધુમાં કેબિનેટ મંત્રીઓને પણ બાકાત રાખવામાં નથી આવ્યા. પરિસ્થિતિ ઈન્દિરા ગાંધી દ્વારા જાહેર કરાયેલ કટોકટી કરતાં પણ વધુ ખરાબ છે. એક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતાં એમણે જણાવ્યું કે, કટોકટી હવે દેશ માટે ઈતિહાસ બની ગઈ છે. હવે તેની સરખામણી આજના શાસક સાથે કરીને યાદ કરી શકાય છે અને આવનાર ચૂંટણીમાં પણ યાદ કરવામાં આવશે. આજથી ૪૩ વર્ષ પહેલાં કટોકટી લાવવામાં આવી હતી અને અઢી વર્ષ પછી ઉઠાવી લેવાઈ હતી. આજની પેઢીને તો એની કોઈ ખબર જ નહીં હોય અને વધુ મહત્ત્વની વાત એ હતી કે ઈન્દિરા ગાંધીને એની સજા પણ મળી હતી. ૧૯૭૭માં એમની કારમી હાર થઈ હતી. જો કે તે વખતે વિપક્ષી નેતાઓને ર૧ મહિના સુધી જેલમાં ધકેલાયા હતા જે આજે નથી કરાયું ફકત એ જ તફાવત છે. મીડિયા પણ સરકારથી ભય અનુભવી રહી છે અને નિર્ભય રીતે સાચી વાત જણાવી શકતી નથી. પ્રમાણિક વરિષ્ઠ પત્રકારોએ તો પોતાની નોકરી પણ ગુમાવી છે. આજે પરિસ્થિતિ વધુ ખરાબ છે. મીડિયા ગેરમાર્ગે દોરનાર ચિત્ર રજૂ કરી રહી છે.