(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
યુએન ખાતે અમેરિકાના રાજદૂત તરીકે ફરજ બજાવતી નિક્કી હેલી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી છે. એમણે કહ્યું કે ભારત અમેરિકા વચ્ચેના સંબંધો વિવિધ સ્તરે વધુ મજબૂત બનાવવા જોઈએ જેમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓને અટકાવવા મિલિટરી પગલાં લેવા પણ સામેલ છે. અમેરિકાના રાજદૂત બન્યા પછી નિક્કી હેલીની આ ભારતની પ્રથમ મુલાકાત છે. એમણે કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા અન્ય અધિકારોની જેમ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય-અમેરિકન હેલી ભારત ખાતે અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર સાથે અહીં હુમાયુંના મકબરાની મુલાકાતે આવી હતી. આ મુલાકાતથી એ ખૂબ જ ખુશ દેખાતી હતી અને પોતાના ઘરે આવી છે એ પ્રકારનો અનુભવ કરી રહી હતી. અમેરિકા અને ભારતના સંબંધો વિષે વાતચીત કરતાં એમણે કહ્યું કે બન્ને દેશો દુનિયામાં સૌથી જૂના લોકશાહી દેશો છે. જેમણે લોકોના મૂલ્યો, સ્વતંત્રતા અને તકોની જાળવણી કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે અને મારી મુલાકાતથી બન્ને દેશોની મિત્રતા વધશે. હુમાયુના મકબરાની પ્રશંસા કરતાં હેલીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ મૂલ્યો સાથે જોડાયેલી છે. હુમાયુનો મકબરો યાદ કરાવે છે કે કઈ રીતે ભારત પોતાની સંસ્કૃતિની કિંમત સમજે છે અને સાચવે છે. એમની જાળવણીથી સંદેશો મળે છે કે આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા હતા. અમોએ ભવિષ્ય માટે એમની જાળવણી કરવી જોઈએ. હેલી શહેરના અન્ય ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેશે. એ દરમિયાન સરકારના વરિષ્ઠ અધિકારીઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓને પણ મળશે જેમાં ભારત અમેરિકા સાથે જોડાયેલ છે એની માહિતી આપશે. હેલી પંજાબના શીખ વસાહતીની દીકરી છે. એ પ્રથમ ભારતીય અમેરિકન છે જેમને કેબિનેટનો દરજ્જો મળ્યો છે.