(એજન્સી) જયપુર, તા.ર૮
રાજસ્થાનના બ્રાહ્મણ નેતા અને છ વખત ધારાસભ્ય રહેલા ઘનશ્યામ તિવારીએ ભાજપ છોડી નવા પક્ષની રચના કરી છે. તેમણે ભારતવાહિની પાર્ટી બનાવી છે. જે આગામી ચૂંટણીમાં ભાજપના સવર્ણોના મતોને કાપશે તેથી ભાજપને નુકસાન કરશે. તેમની સાથે બળવાખોર જાટ ધારાસભ્ય હનુમાન બેનીવાલ પણ જોડાયા છે. પૂર્વ રાષ્ટ્રીય કારોબારીના સભ્ય દ્વારા પક્ષ છોડવાના કરાયેલા નિર્ણયથી રાજ્યની ભાજપની વસુંધરા રાજે સરકાર મુઝવણમાં મુકાઈ છે.
વસુંધરા રાજેએ તિવારીને મંત્રીમંડળમાંથી બાકાત રાખ્યા બાદ બ્રાહ્મણ નેતા છેલ્લા ૪ વર્ષથી વસુંધરા રાજે સામે સંઘર્ષ કરી રહ્યા હતા.
ર૦૦૩થી ૮માંં તિવારી રાજે સરકારમાં મંત્રી હતા. પછી રાજેના ટીકાકાર બની ગયા. તેમણે આર્થિક રીતે પછાત ઉચ્ચ વર્ગના લોકો માટે અનામતની માગણી કરી છે. રાજે સામે તેમણે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. રાજેએ વિશાળ નિવાસ ઊભા કરી મોટો ખર્ચ કર્યો છે. ભાજપના બીજા ધારાસભ્ય હનુમાન બેનીવાલે પણ ભાજપ સામે બળવો પોકાર્યો છે. તિવારી બ્રાહ્મણ મતોને આકર્ષી રહ્યા છે. જ્યારે બેનીવાલ ખેતમજૂર જાટ મતોમાં આકર્ષણ ઊભુ કરી રહ્યા છે. આ બંને નેતાઓ ભાજપ કોંગ્રેસ માટે પડકાર રૂપ સાબિત થયા છે. રાજસ્થાનમાં ૬ ટકા બ્રાહ્મણ મતો છે જે પરંપરાગત ભાજપ તરફી છે. જાટ કોમ પાસે અસરકારક નેતા નથી. ૭૦ જેટલા મત વિસ્તારોમાં જાટ મતોનું પ્રભુત્વ છે. હાલ ભાજપ રાજસ્થાનમાં સત્તાવિરોધી લહેરનો સામનો કરી રહ્યું છે. તેવામાં તિવારીએ બળવો કરતાં ભાજપને મોટાપાયે બ્રાહ્મણ મત ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજ્ય કોંગ્રેસ એકમના પ્રમુખ સચિન પાયલોટે કહ્યું કે તિવારીએ રાજેના ભ્રષ્ટાચારના મુદ્દે અમીત શાહને લખેલા પત્રમાં તમામ હકીકતો ખુલ્લી પાડી છે. હવે તેનો કોંગ્રેસને ફાયદો થશે.
પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે તિવારીને રાજેએ બાજુમાં ધકેલી દીધા છે. ભાજપે પક્ષના વફાદાર નેતાને ગુમાવ્યા બાદ ભારે નુકસાન વેઠવું પડશે. ભાજપ માને છે કે તિવારી બહુ નુકસાન કરી નહી શકે.