(એજન્સી)
તિરૂવનંતપુરમ, તા.ર૧
કેરળમાં મૂશળધાર વરસાદના લીધે સમસ્ત જનજીવન વેરવિખેર થઈ ગયું છે. ત્યાં પરિસ્થિતિ ખૂબ જ બગડી ગઈ છે. વરસાદ અને પૂરના લીધે હજી સુધી ૩૭૦ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. ૧૦ લાખથી વધુ લોકો ઘરવિહોણાં થઈ ગયા છે. એનડીઆરએફ ઉપરાંત સેનાના ત્રણેય દળો સ્થળ, વાયુ અને જળ સેના બચાવ અને રાહત કાર્યમાં જોડાયા છે.
આ મુશ્કેલ સમયમાં ભારત સમેત દુનિયાભરના લોકો કેરળની મદદ કરવા આગળ આવ્યા છે. આ ભયંકર નુકસાનને જોતા યુએઈની સરકારે ૭૦૦ કરોડ રૂપિયા કેરળની પુનઃનિર્માણ માટે આપવાની જાહેરાત કરી છે. આ માહિતી રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને આપી છે.
કેન્દ્ર સરકારે પ૦૦ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સરકાર હજી પણ રકમમાં વધારો કરવા વિચારી રહી છે. ઉપરાંત દેશના અનેક રાજ્યોએ પણ કેરળને મદદની જાહેરાત કરી છે. એ સિવાય ખાનગી ક્ષેત્રના લોકો પણ કેરળની મદદે આગળ આવ્યા છે.
કેરળમાં રોડ સહિત ટ્રેન વહેવારને પણ ખૂબ જ ગંભીર અસર પડી છે. એ સાથે કોચી એરપોર્ટમાં પાણી ભરાઈ જતા એ પણ બંધ કરવામાં આવ્યું છે.
કેરળમાં આવો વરસાદ ૧૯૩૧ના વર્ષમાં પડ્યો હતો. હાલ ૮૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ત્યારે ૧૧૩ર મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉડુક્કી જિલ્લામાં ૧૧૧ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ૧૪૧૯ મી.મી. થયું છે. જો આ પહેલા ૧૯૦૭ના વર્ષમાં ૧૩૮૭ મી.મી. થયું હતું. હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું છે કે, ૧૮૭પથી ર૦૧૭ સુધી વરસાદ સતત ઘટતો રહ્યો છે. જેથી કોઈને ખ્યાલ જ ન હતો કે આટલો વરસાદ થઈ શકે છે. જેથી સરકારની પણ આ માટેની કોઈ પૂર્વ તૈયારી ન હતી.
યુએઈ સરકારે કેરળની મદદ માટે ૭૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. યુએઈના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, કેરળના લોકોએ અમારા દેશના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. એ અમારી સફળતાનો ભાગ છે.
લગભગ ર૦ લાખ ભારતીયો યુએઈમાં વસવાટ કરે છે જે દેશની કુલ વસ્તીના ૩૦ ટકા જેટલા છે.
યુએઈ સમેત અન્ય દેશો પણ કેરળની મદદે આગળ આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે, કેરળની પરિસ્થિતિનો કયાસ કાઢવા અને પુનઃવર્સનની કામગીરી માટે વિશેષ સત્ર યોજવા માટે રાજ્યપાલને વિનંતી કરાઈ છે. એમણે કહ્યું કે, રાજ્યને પૂરના લીધે ૧૯,પ૧ર કરોડ રૂપિયા નુકસાનનું અનુમાન છે.