(એજન્સી) તા.૧૩
તેણે ઉર્દૂમાં એક કાગળના ટુકડા પર લખ્યું કે હું ન્યાય ઈચ્છું છું. મારું નામ ફિરોજ અહેમદ હજામ છે. જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(એસટીએફ)ના જવાનોએ મારું અપહરણ કરી લીધું હતું. જોકે વધુ માહિતી આપી શકે તે પહેલા તેણે ભાન ગુમાવી દીધું. ૬ સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરની પોલીસે કહ્યું હતું કે દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના ઈકબાલ પોરા લારનૂ વિસ્તારના ગુલામ રસૂલ હજામના દીકરા ફિરોજ હજામની એક દિવસ પહેલા એક કેસમાં પૂછપરછ કરવા હેતુસર અટકાયત કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલીસે દાવો કર્યો હતો કે તે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો છે. જોકે પોલીસે તેના નિવેદનમાં દાવો કર્યો કે જ્યારે તેની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે તેણે કહ્યું કે મને બાથરૂમ આવી છે. જ્યારે તેને બાથરૂમ જવા દેવામાં આવ્યો તો ત્યારે તેણે જાતે જ પોતાનું જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કરતાં પોતાના ગળાની નસ કાપી લીધી હતી. જોકે પોલીસે એ સ્થળ વિશે ખુલાસો નહોતો કર્યો જ્યાં હજામની પૂછપરછ કરવામાં આવી હતી. શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલમાં જ્યારે હજામને ભાન આવ્યું તો તેની આજુબાજુ તેની બહેનો ઊભી હતી. તે કંઈ બોલી શકતો ન હતો એટલે તેને પેન અને નોટબુક આપવામાં આવી. જેમાં તેણે લખ્યું કે મને ન્યાય જોઈએ. હું ન્યાય ઈચ્છું છું. તેના પરિવારજનોએ કહ્યું કે હજામ અમને દોરુ વિસ્તારમાં આવેલા નદુરા કેમ્પ ખાતેથી અમને હજામ મળી આવ્યો હતો. હજામે કહ્યું કે ખાનાબલ ખાતે જ્યારે હું જઈ રહ્યો હતો ત્યારે બે વ્યક્તિ હથિયાર સાથે આવ્યા અને આ લોકોએ અન્ય યુનિફોર્મમાં આવેલા લોકોને પણ બોલાવી લીધા અને પૂછપરછ માટે મની સાથે લઈ આવ્યા. તેઓ મને જોઈન્ટ ઈન્ટેરોગેશન સેન્ટર પર લઈ ગયા. મારા હાથ બાંધી દેવાયા. મને મારવામાં આવ્યો. મારા પર રોલર ફેરવી દેવાયું. મારા પર અત્યાચાર કરાયો. ફિરોજની બહેન કહે છે કે તેને સિગારેટના ડામ અપાયા હતા. તેને ઈલેક્ટ્રિક શોક પણ અપાયા હતા. ત્યારબાદ જેઆઈસીથી કાપરાન કેમ્પ લઈ જવાયો. જ્યાં ફિરોજને કપડાં બદલવા માટે આપ્યા. જેવા જ તેણે કપડા બદલ્યા કે એક પોલીસકર્મીએ તેને ધક્કો માર્યો અને તેને એક ચાકુ વડે ગળા પર હુમલો કરી દીધો.