(એજન્સી) ભોપાલ, તા. ૧૮
મધ્યપ્રદેશમાં આગામી ૨૮મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા આરએસએસની પ્રતિક્રિયાને કારણે શાસક ભાજપ છાવણીમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરએસએસે ભાજપને સલાહ આપતા જણાવ્યું કે વર્તમાન ધારાસભ્યોમાંથી ૭૮ ધારાસભ્યોને આ વખતે ટિકિટ આપવી જોઇએ નહીં. માત્ર એટલું જ નહીં, સંઘે એવી પણ સલાહ આપી છે કે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાની સીટ બુધનીથી આ વખતે ચૂંટણી લડવી જોઇએ નહીં. તેના બદલે સંઘે શિવરાજને ભોપાલની ગોવિંદપુરા સીટથી ભાગ્ય અજમાવવાની પણ સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બુધની સીટ પર સીએમ શિવરાજ સામે કોંગ્રેસ કોઇ દિગ્ગજ ચહેરાને ઉતારવાની યોજના બનાવી રહી છે. જોકે, ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ વિચાર ફગાવીને જણાવ્યું કે આ શિવરાજની પરંપરાગત સીટ છે અને વોટર તેમને બદલે અન્ય કોઇ ઉમેદવારનો સ્વીકાર કરશે નહીં.
એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ ગોવિંદપુરા સીટ ભાજપનો ગઢ રહી છે. આ સીટ પરથી ભૂતપૂર્વ સીએમ અને ભાજપના ટોચના નેતા બાબુલાલ ગૌર (૮૮) ૧૯૮૦થી સતત ચૂંટણી જીતી રહ્યા છે. સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ખરેખર આ ધારાસભ્યોના પ્રદર્શનની પ્રતિક્રિયાને આધારે સંઘને આ સીટો પર ઉમેવારો બદલવાનું કહ્યું છે. એવું કહેવાય છે કે ભાજપની રાજ્ય ચૂંટણી મેનેજમેન્ટ સમિતિમાં આ મુદ્દા અંગે વિચાર-વિમર્શ પણ થયો છે. બેઠકમાં ભાજપની ટોચની નેતાગીરીએ એ વાત પર સહમતી પણ વ્યક્ત કરી છે કે માત્ર જીતનારા ઉમેદવારોને જ ટિકિટ આપવી જોઇએ. એવું પણ કહેવાયું છે કે કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઇ પણ ઉમેદવારને કલંકિત ઠરાવવું જોઇએ નહીં.
દરમિયાન, કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ઓછામાં ઓછી ૮૦ વિધાનસભા સીટ માટે પોતાના ઉમેદવારોના નામોને બુધવારે આખરીઓપ આપી દીધો છે પરંતુ કોઇ પણ ઉમેદવારના નામની અત્યાર સુધી જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસ મધ્યપ્રદેશમાં ભાજપને સત્તાથી દૂર કરવા માગે છે. રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામો અંગે નિર્ણય લેવા માટે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક ટૂંક સમયમાં યોજાશે.