(એજન્સી) નવીદિલ્હી,તા.૮
હરિયાણામાં વર્ણિકા કુંડૂ નામક એક યુવતીનોે કથિતરૂપે પીછો કરવાના આરોપસર શનિવારે હરિયાણા ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાના પુત્ર વિકાસ બરાલા(૨૩) અને તેના મિત્ર આશિષ કુમાર (૨૨)ની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ થોડા સમય પછી બંનેને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યાં. આ ઘટના પછી ભાજપ સરકાર ચારેબાજુથી ઘેરાતી દેખાઇ રહી છે. આખા દેશમાં આ ઘટનાની નિંદા થઇ રહી છે. આ મામલે સુભાષ બરાલા પણ ઘેરાઇ ગયાં છે. ભાજપની અંદર અને વિપક્ષ તરફથી પણ તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. આ વચ્ચે હરિયાણા ભાજપના ઉપાધ્યક્ષે વિવાદિત નિવેદન આપીને આ મામલામાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. હરિયાણા એકમના ભાજપ ઉપાધ્યક્ષ રામવીર ભટ્ટીએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે તે યુવતી રાતે ૧૨ વાગે શા માટે ફરી રહી હતી? યુવતીએ ૧૨ વાગ્યા પછી બહાર ફરવું જોઇતું ન હતું. તેમણે કહ્યું કે માહોલ યોગ્ય નથી અને આપણે આપણી રક્ષા જાતે જ કરવી પડે છે. ભાજપ ઉપાધ્યક્ષે કહ્યું કે યુવતી આટલી મોડી રાતે શું લેવા ગઇ હતી? જે ઘટના ઘટી છે તેની હું નિંદા કરું છું પરંતુ તે યુવતી રાતે ૧૨.૩૦ કલાકે બહાર શું કરી રહી હતી? તેના માતા-પિતાએ તેનું ધ્યાન રાખવું જોઇએ. તેમના આ વિવાદિત નિવેદન પર હોબાળો શરૂ થઇ ગયો છે. રામવીર ભટ્ટીના આ નિવેદનનો જડબાતોડ જવાબ આપતાં પીડિતા વર્ણિકા કુંડૂએ કહ્યું કે “આવા સવાલો પુછવાનું કામ તેમનું નથી. તે નક્કી કરવાનું કામ મારું અને મારા પરિવારનું છ કે હું શું કરું અને ક્યાં જાઉે, જો આ પ્રકારના લોકો સમાજમાં ન હોત તો હું અસુરક્ષિત ન હોત પછી ભલે રાતના ૧૨ વાગ્યા હોય કે ચાર.” પીડિતાએ વધુમાં કહ્યું કે આ ઘટના રાતે ઘટી છે એટલે મારી ભુલ છે? મારા પર શા માટે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે? હુમલો મારા ઉપર થયો છે પરંતુ હુમલાખોરોની પુછપરછ કરવામાં નથી આવી રહી. આ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી સહિત અનેક મહિલાઓએ મોડી રાતે તસવીરો ટ્વીટ કરીને ભાજપ નેતાના આ વિવાદિત નિવેદનની નિંદા કરી છે. શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કર્યું કે ‘હું જો રાતે ૧૨ વાગ્યે ઘરની બહાર ફરું તો તેનો અર્થ એ નથી કે મારા પર બળાત્કાર ગુજારાશે, મારી છેડતી થાય કે મારો પીછિો કરવામાં આવે. મારી ગરિમા મારો અધિકાર છે.’ શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કર્યા બાદ અનેક મહિલાઓએ આ અંગે પ્રતિક્રિયાઓ આપી હતી.