(એજન્સી) નવી દિલ્હી, તા.૭
સુપ્રીમ કોર્ટે આજે એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલને નિર્દેશ કર્યો કે લોકપાલ માટે પસંદગી કરવા સિલેકશન કમિટીની મીટિંગ કઈ તારીખે યોજવાની છે. આ માહિતી અમને ૧૦ દિવસોમાં આપો.
સુપ્રીમ કોર્ટે આ તબક્કે લોકપાલ માટેના સંભવિત નામો જાહેર કરવાની માગણી કરતી અરજી રદ કરતા જણાવ્યું કે આ તબક્કે નામો જાહેર કરવા અનિવાર્ય નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચના જજોએ એટોર્ની જનરલની રજૂઆતની નોંધ લીધી હતી જેમાં એટોર્નીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજન પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળ નિમાયેલ સર્ચ કમિટીએ સરકારને પેનલના નામો આપ્યા છે. આ નામો અધ્યક્ષ, ન્યાયિક અને ગેરન્યાયિક સભ્યો માટેના છે. એટોર્નીએ જણાવ્યું કે અધ્યક્ષ અને અન્ય હોદ્દાઓ માટેના નામો ધરાવતી ત્રણ પેનલોની પસંદગી કરાઈ છે.
દરમ્યાનમાં કોર્ટે વકીલ પ્રશાંત ભૂષણની અરજી ફગાવી હતી. જેમાં એમણે પોતાના નામો જાહેર કરવાની માગણી કરી હતી. જે નામો પસંદગી કમિટી સમક્ષ મૂકાવાના છે. આ પસંદગી કમિટી વડાપ્રધાનની આગેવાની હેઠળની હોય છે જેમાં અન્ય સભ્યોમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સ્પીકર અને લોકસભાના વિરોધ પક્ષના નેતા હોય છે.
પ્રશાંત ભૂષણે કહ્યું કે પારદર્શિતા લાવવા માટે ભલામણ કરાયેલ નામો જાહેર કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને જણાવ્યું કે તમે અત્યારે આ માગણી કેમ કરી રહ્યા છો ? અમને બતાઓ કાયદામાં કઈ જગ્યાએ આ પ્રકારની જોગવાઈ છે કે નામો જાહેર કરવા જોઈએ. પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ પણ પારદર્શિતાના કોઈ ધોરણો નથી. જુદા-જુદા પ્રસંગોએ જુદી જુદી હોય છે. તમે વ્યવહારૂ થાઓ. બધી વાતોની મર્યાદા હોય છે. અમને ખ્યાલ છે કે સિલેકશન કમિટી પેનલની પસંદગી કરતી વખતે કારણોની નોંધ કરશે. બેન્ચે કહ્યું અમે કાયદાની કલમ-૪(૪) હેઠળ કોઈપણ નિર્દેશો આપતા નથી.